પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ એ તો કંઈ નહિ. ઉપદેશિકા બાઈસાહેબનું કામ તો છે ઉપદેશ દેવાનું, તકદીરમાં હોય તે ઝીલે ને તરી જાય; બાકીનાં પાપમાં સબડે, તેનું આપણે શું કરીએ ?

પરંતુ આજે ઉપદેશિકા બાઈસાહેબનું ઊતરેલ મોં દેખીને ટીખળખોર જેલર કારણ પૂછે છે.

“શું કરીએ ?” બાઈસાહેબ બોલી ઊઠ્યાં : “પેલાં સારાંસારાં કુટુંબોનાં વહુ-દીકરીઓ હમણાં તો અહીં ફાટી નીકળ્યાં છે ના ? તે કહે કે, ક્રિમિનલ કેદીઓ કને ઉપદેશ દેવા જાઓ છો તો અહીં અમને કાં લાભ નથી આપતાં ? અમારો ઉદ્ધાર કરવા કાં ન આવો ? હું તો ગઈ, પણ એ રડ્યાં શું ઉપદેશ ગ્રહણ કરે તેવાં છે ? મારા જેવી મોભાદાર સ્ત્રીની એણે તો ઠઠ્ઠા કરી ! સરકાર સામે ગુના કરી, ધણીછોકરાંને રઝળતાં મેલી, હાથમાં ઝંડાઝંડી અને મુઠ્ઠીમાં મીઠાં લઈ, દારૂડિયા ને છોકરાઓને ખભે હાથ મૂકી સાંજ વેળાએ ‘ભાઈ, પીઠું છોડ ! ભાઈ, દારૂ છોડ !’ કરતાં, માર ખાતાં, પીધેલાઓના મુખની ભૂંડી ગાળો સાંભળતાં અહીં આવ્યાં છે એ વંઠેલા, ને ઉપર જતાં મારી ઠેકડી કરે છે !”

“નહિ નહિ !” પાજી હાસ્યની કરચલીઓ પાડતો જેલર બોલી ઊઠે છે: “હું તમારી સાથે આવીશ. બરાબર ઉપદેશ આપો. મગદૂર કોની છે કે તમારી મશ્કરી કરે !”

“એ લોકોની કને તો અમે કદી જ જવાનાં નહિ. એ વંઠેલીઓને ઉપદેશ કેવા વળી ?

એટલું કહી, મોટરના પોચા ગાલીચા ઉપર સુંવાળા શરીરને ઝુકાવી ઉપદેશિકા ચાલી નીકળ્યાં. તે દિવસ જ્યારે જેલર ઓરતોની બુરાકમાં મુલાકાતે ગયો ત્યારે એણે ઉપદેશિકા બાઈસાહેબની હૈયાવરાળનું સાચું કારણ દીઠું.

ધણીને મારનાર જન્મટીપવાળી આયેશા ડોશી ન્યુમોનિયામાં પડી હતી; એ પાપિણીના બિછાના પાસે જતાં મધુડી ઝમકુડી વાઘરણો પણ ડર ખાતી’તી. એના બળખાએ અને પેશાબ-ઝાડાએ આખી બુરાકને ગંધવી


78
જેલ ઓફિસની બારી