પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૂકી’તી, ત્યારે પેલી સારા કુળની વંઠેલી ઝંડાઝૂંડીવાળીઓ પૈકી બે બહેનો એ માંદીનાં મળમૂત્ર ધોતી, દાક્તરે દીધેલ ગરમ કોથળીના શેક કરતી ને બળખા ઝીલતી બેઠી રહેતી હતી.

“અલા ! અલા ! મેરે અલા !” આયેશા પોતાની સારવાર કરનારી વંઠેલ છોકરીઓને મસ્તકે હાથ મેલીને બોલતી હતી. આજ પહેલી જ વાર એની જીભે અલ્લાનું નામ રમે છે. “અલામિયાં ! યે તેરે ફરસ્તે હે. તેંને મેરે લિયે ફરસ્તે ભેજવાયે, અલા ! મેરે જેસી નાપાક કે લિયે !”

આયેશા બુઢ્‌ઢી અનંત મીઠાશથી એ વંઠેલીઓના ગાલ પર હાથ પસારતી તે દિવસ મૃત્યુ પામી.

સવારે આવેલ ઉપદેશિકા બાઈસાહેબ આ મંદવાડની દુર્ગધ અને આ વંઠેલીઓના હાથથી થતી સારવાર ન સહી શકાયાથી દુભાઈને ચાલ્યાં ગયાં હતાં, રોગીની પથારીની નજીક એ નહોતાં જઈ શક્યાં, ઊભાં રહ્યાં ત્યાં સુધી નાક આડે એમણે રેશમી રૂમાલ રાખ્યો હતો.


ઉપદેશિકા
79