પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ફાંસી

તું આ બધા ઉદ્‌ગારો સાચા માનતો નથી, ખરું ને, ભાઈ હરખા ? મારું કહેલું કટાક્ષયુક્ત સમજીને તું ચાલ્યો જાય છે. મને બુઢ્ઢીને તો જુવાનોની ઠેકડી કરવાની ટેવ પડી ગઈ છે. મારો પરિહાસ બહુ કાતિલ થઈ પડે છે, ખરું ? પેલા બુઢ્ઢા ઉપદેશક સાહેબો પણ મારા પર ચિડાઈ ગયા.

પણ હું ઠેકડી ન કરું તો શું કરું ? મારું અંતર ભેદાઈ જ જાય ને ! દરરોજનાં આટલાં ક્રંદનો સાંભળનારને ગંભીર રહેવું પરવડે નહિ. તો-તો હું ગાંડી જ થઈ જાઉં. તમારે સહુને તો ઠરાવેલી મુદતની સજા છે. પચીસ વર્ષ પૂરું કરીને પણ તમારા માંહેલા અનેક જન્મકેદીઓને છૂટીને ચાલ્યા જતા મેં જોયા છે, ને હું જોઈ-જોઈ સળગી ગઈ છું. મારી સજા તો અનંત છે. જેલની દીવાલના પથ્થરોએ મને ચોમેરથી ચાંપી છે એટલે જ હું બક-બક કરીને મારા દિવસો વિતાવું છું.

એકાએક હું સ્તબ્ધ બની જાઉં છું, જેલ-ઑફિસના કારકુનોની ધક્કામુક્કી અને ગાળાગાળી થંભી જાય છે. જેલરની ત્રાડો પણ રૂંધાઈ ગઈ. વાતાવરણ કેમ આટલું વજનદાર બની રહ્યું છે ? મારી પાસેથી બીજા મુલાકાતિયાઓને શા માટે ખસેડી લીધા ? જેલના ઇન્સ્પેક્ટર જનરલની હાજરીથી પણ જે ચુપકીદી નથી છવાતી, તેવી ચુપકીદી આજે સંધ્યાકાળે આ કોનું આગમન પાથરી રહ્યું છે ?

ચુપ ! ચૂપ ! ચૂપ ! ખણીંગ: ખણીંગ: ખણીંગ: મૃત્યુ ચાલ્યું આવે છે, મૂર્તિમાન મૃત્યુનાં એ પગલાં, એની પછવાડે ચાર પોલીસ છે. એના હાથપગમાં બેડીઓ પડી છે. ઓળખ્યો ? ફાંસીની સજા પામેલો અનવરખાન પઠાણ.


80
જેલ ઓફિસની બારી