પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અનવરખાન પઠાણ ! તારી અમ્મા તને મળવા આવી છે. છેક પેશાવરથી આવી છે. સફેદ વાળ અને સફેદ વસ્ત્રોવાળી એ ડોશીએ બુરખા ઉઘાડી નાખ્યા છે. તું શાંત કેમ ઊભો છે ?

“બેટા ! મેરા પ્યારા બેટા !” એમ કહેતી એ ડોશી તો હૈયાફાટ રડી ઊઠી છે, છતાં તારી છાતી કેમ ભાંગતી નથી ? તારા મોં ઉપર આઠ મહિનાના નાના બાળક જેવી કરુણતા છે. તારી આંખો અમી વરસાવે છે. પઠાણની આંખો આવી હોય ? તું ફાંસીની સજા પામેલો કોઈ કેદી નહિ પણ આત્મસ્થ યોગી દીસે છે.

રડવા જ દીધી: એકીટશે બસ નિહાળી જ રહીને તેં અમ્માને રડવા જ દીધી. અને પછી હાથકડીઓમાં જકડાયેલા હાથ જોડીને તેં અમ્માને કહ્યું: “સુનો, સુનો ! અબ રંજ મત કરો.”

તારી વાણીમાં તો આવતી જિંદગીનો અવાજ હતો. તેં કહ્યું –

“તુમ યહાંસે શહરમેં જાઓ. વહાં જડજ કે બંગલે પર જાના. દો બંગલે હૈં. એક કાલા જડજકા, ઔર એક ગોરાકા. તુમ ગોરે કે પાસ જાના. બોલના કિ સાબ, મેરા એક બેટા તો મારા ગયા, અભી યે દૂસરા ભી બેગુનાહ મરતા હૈ –”

“હાં !” અમ્મા વચ્ચેથી જ બોલી ઊઠી: “ઔર વો છોટે બચ્ચકો સચ્ચે મારનેવાલે તો મૌજ કર– ” એટલું કહીને અમ્મા ફરી વાર ઢગલો થઈ પડી.

“ખેર !” અનવરખાનનો ઉત્તરનો તો સાંભળો: “ખેર ! જાને દો વો બાતકો. વો બાતસે અબ અપના ક્યા નિસ્બત હૈ.”

આખું દૃશ્ય દિલ ચીરનારું હતું. એ ન સહેવાયાથી જેલર બહાર ચાલ્યો ગયો. ઑફિસનાં પંદર માણસોમાં કોઈને જીભ ન રહી. છતાં અનવરખાન તો અમ્માને ફોસલાવી રહેલ છે. ગોરા જડજને બંગલેથી જાણે બેટાનો જાન હાથ લાગવાનો હતો ! એટલી તો બારીકીથી અનવરખાને અમ્માને સૂચનાઓ આપી કે ડોશીને બેટાના ઉગારની અરધી આશા આવી ગઈ. એણે પોતાનો બટવો કાઢીને નાગરવેલનું બીડું ખાધું, તમાકુની ચપટી હોઠમાં દાબી.


ફાંસી
81