પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“અમ્મા ! તમ પરસુ આના. અભી શહરમેં અપને ભાઈઓકે ઘર જાના.”

ડોશી પેશાવરથી સીધેસીધી જ જેલ પર આવી હતી.

“તુમારે પાસ અસબાબ હૈ ?” બેટાએ પૂછ્યું.

“હાં બચ્ચા ! એક પેટી હૈ.”

“અચ્છા, સ્ટેશન પર જાના. કુલીકો દો પેસા દેના.”

“બચ્ચા ! દો પેસામાં તો કુલી નહિ લે જાયગા.”

“નહિ ક્યોં લે જાયગા ? કાનૂન હે. બાબુકો બોલના.”

“કાનૂન હે, બાબુકો બોલના !” અનવરખાં પઠાણ ! મૃત્યુને અને તારે ચાર દિવસનું અંતર છતાં તને હજુ આ દુનિયાના કાનૂન પળાવનારા બાબુ પર ઈતબાર છે ? તારા ખૂની હૃદયના ઊંડાણમાં તો કાનૂન અને કાનૂનરક્ષક રાજતંત્રનો જ પક્ષપાત છે ને ? ત્યારે તું તો જિંદગીભર કાનૂનના ભુક્કા બોલાવી રહેલ હતો તે શું એક રોગ જ હતો ? જિંદગીમાં તને જે ન સૂઝ્યું તે શું તને આજ મૃત્યુની છાયાએ યાદ દીધું ?

હું આવું આવું વિચારી રહી હતી ત્યારે ઓચિંતી એક રમૂજ દીઠી. ધોળી ટોપીવાળો એક રાજકેદી ત્યાં બેઠો હતો એને આંસુ આવી ગયાં. અનવરખાન, બસ, એને કોઈ નિર્દોષ માર્યો જતો લાગ્યો. અનવરખાન જેવો સમાધિસ્થ પુરુષ શું પોતાના પિત્રાઈ ભાઈની હત્યા કરે ? ત્રણસો રૂપિયાની ખાતર ? હાય, નક્કી ન્યાયકર્તા આગલા દિવસના એક બનાવથી દોરવાઈ ગયા હશે. આગલે દિવસે એક પઠાણ કેદીએ એને છુટી બાટલી મારી તેથી, બસ. એણે બીજે દિવસે અનવરખાન પઠાણ તરીકે ફાંસીની સજા ટીપી મારી ! રાજકેદી બાપડો ગદ્‌ગદિત બની ગયો.

ભાઈ રાજકેદી, તું અનવરખાનને ઓળખી ગયો શું ? આટલી આસાનીથી ? તારા અંતરમાં અનવરની નિર્દોષતા પથરાઈ રહી છે. તું જો વાઇસરૉય હોત તો ખૂનીને એકદમ ક્ષમા દઈ દેત, ખરું ?

અરે ગંડુ ! અનવરને તો શહેરની એકેએક ગલી ઓળખે છે. એ તો અંધારી રાતનો રાજા: એનો ધંધો અફીણગાંજાની દાણચોરીનો. એનું


82
જેલ ઓફિસની બારી