પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફાંસી-ખોલીની તુરંગમાં લઈ ગયા. હું તો અનુભવી રહી ખરીને, એટલે કળી ગઈ કે જેલરને એ મુલાકાતનું દુઃખ નજરે જોવું નહોતું તેથી કરીને જ તેણે મારું સુખ હરી લીધું. મને ખીજ તો એટલી બધી ચડી કે આ મૂઆઓના આઈ. જી. પી.ને એક નનામો કાગળ લખી નાખું કે આવાં કૂકડી જેવાં પોચાં કલેજાંવાળાઓને તમે જેલ ઉપર શું જોઈને નીમ્યા છે, સાહેબ ! પણ લખું તે શી રીતે ? ચાર-પાંચ ખડિયા-કલમ પડ્યાં છે તેમાંથી એકેય ઉપાડી શકે તેવાં આંગળાં મારે નથી.

ખેર ! ‘અમ્મા’ની પાછળ મારા પણ વીજળી તાર સંધાઈ ગયા.

એક હજાર કેદીઓ વચ્ચે સર્વથી નિરાળો અને આખા કારાગૃહમાં સર્વથી સુઘડ સુંદર અમીરી મકાનમાં લીલી કુંજ વચ્ચે રાખવામાં આવેલો ‘મારો અનવર’ શું છૂટવાનો હશે તેથી જ અહીં એને માનપાનથી મહેમાન રાખ્યો છે ? અનવરને દરવાજા સુધી ચાલવાની તકલીફ આપવાને બદલે મને એના આવાસ પર લાવવામાં આવી એ વાતમાં પણ શું અનવરના છુટકારાની જ વધાઈ હશે ! આવા આવા ઘોડા ઘડતી ‘અમ્મા’ને જ્યારે પરસાળમાં બેસાડવામાં આવી પણ અનવરને કોટડીમાંથી બહાર ન કાઢ્યો અને સળિયાવાળા બારણાની પાછળ બેસીને અનવર જ્યારે અમ્માની સાથે આવેલ પોતાના બંધુજન પાસે અનેક સગાંવહાલાં પર છેલ્લી સલામના કાગળો લખાવવા લાગ્યો, ત્યારે પછી ‘અમ્મા’ની આંખોમાંથી આશાનો ચમકાટ ઊડી ગયો.

“બેટા ! ક્યા તારીખ મુકરર હો ગઈ ? તૂ મુઝે ક્યોં નહિ કહતા ?” એવું પૂછતી આંસુભરી અમ્માને અનવરે બસ એકસરખું મંદમંદ સ્મિત કરતાં ખામોશીથી એક જ ઉત્તર આપ્યો: “નહિ, અમ્મા ! અભી તો બડા લાટસાબ કે પાસસે રહમિયતકી અર્જીકા ફેંસલા કહાં આયા હી હૈ ? અભી તો દેર હૈ. તુમ રંજ મત કરો.”

અનવરનું મોં મલકતું હતું, પણ અમ્માએ આજુબાજુ દૃષ્ટિ ફેંકીને દીઠું કે વૉર્ડરો, મુકાદમો વગેરેના ચહેરા પર જુદી જ છાયા છવાઈ ગઈ હતી. પોતે અમ્માની આખરી રજા લેતો હોય એવા કશા ચાળા પુત્ર કર્યા


ફાંસી
85