પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહિ. સાંજરે જ્યારે અમ્મા બડા લાટસાબની રહેમિયતના ફેંસલાની છેલ્લી આશા લઈને ઘેર ચાલી, ત્યારે દરવાજે એને કહેવામાં આવ્યું કે કાલે સવારે નવ બજે અનવરની લાશ તને સોંપવામાં આવશે.

તે રાતે તો અનવરે ઝોલું પણ ન ખાધું, બંદગી જ કર્યા કીધી. સવારે એને પરસાળમાં બેસારીને હજામે હજામત કરી. હજામત વખતે એના હાથ પીઠ પાછળ રખાવીને હાથકડી જડવામાં આવી હતી. પણ અનવર તો જાણે શાદીની તૈયારી કરાવતો હતો. હજામત પૂરી થઈ રહ્યે જ્યારે પાછા એના હાથને પછવાડેથી અગાડી લાવીને હાથકડી પહેરાવી, ત્યારે એણે હજામને કહ્યું:

“જરા કંગવા લાવ તો, ભૈયા !”

કાંસકો અને અરીસો લઈને અનવરે પોતાની દાઢી ઓળી. ચા પીધી, કપડાં પહેર્યો. ચમકતાં સંગીનોવાળી બંદૂકો ખભે નાખીને પોલીસની ફોજ આવી ગોઠવાઈ ગઈ; ને જ્યારે સર્વ ભાઈઓને મીઠી સલામ સાથે માફામાફી કરીને અનવરે એ ફૂલો વચ્ચેની કેડી પર પચીસ કદમ ભર્યા, ત્યારે કદમે-કદમે ધરતીએ એને ‘ખમા ખમા’ કહ્યું હશે, ફાંસીખાનાની ખડકી પર અમલદારોને અને મૅજિસ્ટ્રેટને એણે ‘દરગુજર’ યાચ્યું ત્યારે પણ અનવર એવી ને એવી સમતામાં હતો. મેં તો ઘણુંય ટીકી ટીકીને જોયું, કાન માંડી-માંડીને તપાસ્યું કે એની આ વીરતામાં બડાશ અથવા શેખી તો નથી ને ! બનાવટી રીતે અક્કડ રહીને એ પોતાનો નોક રાખવા તો મથતો નહોતો ને ? પણ મારી એ બધી હુશિયારી ફોગટ ગઈ. ભાઈ, એ તો જ્ઞાનમાં ને અવિકારમાં ગળી પડેલા કોઈ મુરશદની ભદ્ર વીરતા હતી.

અરેરે, આમાં મોતની સજાનું માત્યમ ક્યાં રહ્યું ? આ તો અમારી, સહુ સત્તાધારીઓની ઠેકડી જ થઈ ને ? દરવાજેથી એને ગળા સુધી કાળી કાનટોપી ઓઢાડી દેવામાં આવી હોય અનવર તો દુલ્લો જ રહ્યો. અને પછી તો એક-બે મિનિટમાં જ પાટિયાંના ધબકારા થયા. અનવર લટકી પડ્યો.

પણ લટક્યા પછી દસ મિનિટે જ્યારે દાક્તરે એ ભોંયરામાં ઊતરી લાશની નાડ તપાસી ત્યારે નાડી એક તંદુરસ્ત જીવતા માણસના જેવી


86
જેલ ઓફિસની બારી