પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલતી હતી. એટલે કે અનવરના હૃદય ઉપર એ કારમા મોતનો આઘાત જરીકે નહોતો પડ્યો. એ તો મરી રહ્યો હતો, કેવળ ગળાના ફાંસલાની ભીંસથી જ; જ્યારે બીજાઓ ફાંસી પર બે રીતે મરે છે: એક તો ગળાની નસ પર ભીંસામણ થવાથી શ્વાસ રૂંધાઈને, અને બીજું એ મૃત્યુની દારુણ ફાળની અસરથી. અનવર જો ખોટી વીરતાનો વેશ ભજવતો હશે તો છેલ્લી ઘડીએ ઉઘાડો પડી જશે એવી મને આશા હતી. પણ આ તો અમારા માથાનો મળ્યો. આખી જિંદગીને હારનારો પાપી આમ મોતને જીતી ગયો.

હી-હી-હી-હી-હી ! એ વાત કરતાં તો વળી પાછું મારાથી હસી જવાય છે. અમે તો જેલના જીવ: અનવર-ફનવર જેવાનાં મોતની અસર અમારા ઉપર પાંચ-દસ મિનિટથી વધુ લાંબી પહોંચે નહિ. અમે તો ટેવાઈ ગયાં. અમારો તો ધંધો ઠર્યો. અનવરની વાત કહેતાં હું આવી ગંભીર અને જ્ઞાનદંભી શીદ બની ગઈ. પણ મને રમૂજ તો પડી ગઈ પેલા દયાળજી વાણિયાનો કિસ્સો યાદ આવી જવાથી.


ફાંસી
87