પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દયાળજીએ તરત પોતાની ડોકરી મા ઉપર મુકાદમી કરી કહ્યું: “જાઓ, જાઓ હવે આંહીંથી, તમારું કાળું કરો ! આવા ધંધા કરો છો !”

મા મારી નજીક ઊભેલી હતી ત્યાંથી છેટે ખસી ગઈ.

એણે શા સારુ દીકરાનો આ ધુતકાર ખમી ખાધો ? કેમ એણે ત્યાં ને ત્યાં દીકરાની જ શિખવણી ઉઘાડી ન પાડી ? આવું ભોંઠામણ પચીસ-ત્રીસ માણસોની વચ્ચે શીદ એ પી ગઈ ? ઊલટાની એ તો છાનીમાની પાછી નજીક આવીને પૂછવા લાગી કે “હેં ભાઈ, મારા દયાળજીને આ બાબત સારુ કાંઈ મારપીટ તો નહિ કરે ને ? ભૂખ્યો-તરસ્યો તો નહિ રાખે ને ?”

જેલ-ઑફિસની બારી તરીકે મારું જીવન ઘણીઘણી રીતે ધિક્કારપાત્ર અને પામર હોવા છતાં એક વાતનો મને ખૂબ હર્ષ થયો કે હું કોઈની મા તો નથી ! મા થવું એટલે તો આ દશા ને ?

વચ્ચે પછી હું દાંત ખખડાવીને હસવા લાગી તે તો અમારા પેલા ચાલાક મુકાદમ ભાઈની શેખી ઉપર. અરે ગંડુ ! તું સાબુમાંથી કે પગરખાંના તળિયેની વચ્ચેથી આ છુપાઈને અંદર આવતાં નાણાં પકડીને શું, બસ, એમ માની બેઠો કે તેં જેલને વિશુદ્ધ બનાવી નાખી ! બીડીઓ-તમાકુ-સિગારેટ-ગાંજો-દારૂ-મીઠાઈ – બોલ, તારે શું જોઈએ છે આમાંથી ? બધો જ ભંડાર ભર્યો છે આ અજગરના પેટમાં. તે વગર શું ફક્ત આ ભાજીના ઘાસ ઉપર ને આ જુવારીના કાંકરીદાર રોટલા ઉપર જ આ પઠાણો, મિલએજન્ટો, કાઠીગરાસિયા અને બીજા સુંવાળા કેદીઓ જીવે છે આંહીં ? ને શું ફક્ત પંદર રૂપરડીના દરમાયા સારુ આ વૉર્ડરો ખુવાર મળે છે આંહીં ! આંહીં શું જુગાર ખેલાયા વગર આ પચીસ-ત્રીસ વર્ષની સજા પામેલાઓના દહાડા જાય છે ? ને આ જેલ શું પાપને પુણ્યશાળી કરવાનું ઠેકાણું છે ?

આ તો, ભાઈ, અનાદિ કાળથી જે છે તે જ છે. નહિ તો કાળી ટોપીઓ પહેરનારા વધ્યા જ કાં કરે છે ? પાંચ વાર પાછા આવનાર કેટલા બધા છે ? જતી વેળા શું કહીને નથી જતા, કે “ભાઈ, મારાં આ કપડાં ને આ કામળી ને આ તસલો ચંબૂ સાચવી રાખજો, હું આઠમે દાડે પાછો આવું છું.” આટલી બધી અક્કલ અને શક્તિ અહીં એકઠી થાય છે તે શું નવરી બેઠી રહે ? ગુમાન ન કર, ભાઈ; જો, તારી પતરાજી સામે બધા


દયાળજી
89