પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭
જયા-જયન્ત
 


તેજબા : ચાલો ત્ય્હારે અક્ષયતૃતિયાને મેળે.

શોધશું કોઇ સદ્‍ગુરુ,
ભળશું એના મોક્ષસંઘમાં,
કે ફરશું આર્યાવર્તનાં તીર્થતીર્થ.
કાશીમાં તપ માંડ્યાં છે
એક તપસ્વીજીએ;
ઇન્દ્રાસનને યે ડોલાવે એવાં.
તપશું તપજ્વાલામાં ત્‍હેમના તાપસક્ષેત્રે.
(જવા માંડે છે. પાછળથી પારધી ઉભો થઇ એક પત્થર ફેંકે છે. જયા ને તેજબા ખમચી ઉભે છે.)

જયા : પત્થર મારી આશીર્વાદ માગે છે;

(પારધીને)
ત્‍હારૂં યે પ્રભુ કલ્યાણ કરજો !

તેજબા : પારધીને

પસ્તાઇશ એટલે પ્રગટશે પાછી
ત્‍હારી બન્ને ય પાંખો.
પણ પાપપન્થે વળવા જતાં
અપંગ જ રહેશે
એ પ્રગટેલી પાંખો ય તે.
(બન્ને જાય છે.)