પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૩
જયા-જયન્ત
 


જેમ સૂર્યજ્વાલા વધારે ઉષ્ણ,
તેમ જલની ઝીણી ઝીણી વરાળ,
તેમ ત્હેનાં ઉંચા ઉંચા ઉડવાં.
જયા ! ઝીણી છે ત્હારી વરાળ;
ઉડશે આભનાં યે શિખર સૂધી.
(બે આંબાને અઢેલી ઉભાં રહે છે બન્ને.)

જયા : મ્હારાં વિતકને નથી રડતી, જયન્ત !

કેટલી યે રાજકન્યાઓને
અભડાવતા હશે એમ વામાચાર્યો;
કેટલી યે મુગ્ધ હરિણીઓના
એમ કરતા હશે શિકાર
કાળમુખા પારધીઓ;
સીતા માતાની કેટલી યે કુંવરીઓનાં.
એમ કરતા હશે હરણ
રાવણવંશી બ્રહ્મરાક્ષસો.
વનમાં તો વિભુ છે,
ને વનમાં તો જયન્ત છે.
મ્હારા વનવાસને નથી રડતી,
એમનાં દુર્ભાગ્યને રડું છું હું.

જયન્ત : જયા ! તું વનવાસી, હું અરણ્યવાસી;

તું ચિતાવાસી, હું ભસ્મવાસી;
આપણે સમદુઃખિયાં તો ખરાં.