પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮
જયા-જયન્ત
 


ને હું વિચરીશ સાગરયાત્રાએ.
પણ જયા ! તું દેવ કે દાનવ ?
મ્હારી તો તું દેવી છે.
(જયા આંબા ઉપથી કૂદી નીચે ઉતરે છે. અંજલિ કરી રહીને.)

જયા : હું તો છું માનવી

शिष्यस्तेहं शाधि मा त्वां प्रपन्नम्

જયન્ત : (આંબા ઉપરથી ઉતરીને)

જયા ! પશુથી એ માનવી પામર ?
મોરે જીત્યો, ને ઢેલે જીત્યો,
તે કામને નહીં જીતે માનવી ?
પ્રેમ ત્ય્હાં ન હોય કામવાસના:
પ્રેમમાં નથી દેહની વાંછના.
'જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર';
નથી એવું કાંઈ બ્રહ્માંડમીમાંસાનું ન્યાયસૂત્ર.
આગ્રહ છે, ઉદ્યમ છે, ઉત્સાહ છે,
ત્ય્હાં શું છે અજીત અવનીમાં ?

જયા : પણ કામે યે જગજ્જેતા છે.

જયન્ત : છતાં એક છે દુર્ગ અજીત

એ જગજ્જેતાથી યે જયા !
કામે નથી જીત્યો પ્રેમનો ગઢ.
એ પ્રેમના પાઠ પઢાવ.
તું જીતી, જીતતાં શીખવ.