પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯
જયા-જયન્ત
 


નરનારી કામને જીતશે,
દુનિયા બ્રહ્મભોમ થઈ દીપશે ત્ય્હારે.
ત્હારા આત્મામાં ઉભરાય છે
હિમાદ્રિની યોગગુફામાં
નિરખ્યો હતો તે તેજતણખો.
તે તેજસુધા પા જગતને.
મોહના અન્ધકાર છે મધ્યરાત્રિના;
પ્રગટાવ સ્નેહનો અણઆથમ્યો સૂર્ય.
ઝળહળતી ઉગ વિશ્વના આભમાં
પુણ્યભાવનાની ઉષા સરિખડી.

જયા : જયન્ત ! ત્હારી હાકલ વાગી,

ને આજથી ઉગ્યો જાણ્યો મ્હેં
સુન્દરીઓના કલ્યાણનો ભાણ.
પડે છે ચન્દ્રી ઉપર સૂર્યનાં તેજ,
ને ચન્દ્રિકા પ્રકાશે છે પૂરણજ્યોત;
એવાં ત્હારાં તેજ પ્રગટ્યાં મ્હારામાં
ને જન્મ્યો મારો બ્રહ્મજન્મ.
આજથી હું બ્રહ્મચારિણી બ્રહ્મધામની
બ્રહ્મવનમાં માંડીશ મ્હારો આશ્રમ
ત્હારી અનસ્ત અમૃતચન્દ્રિકામાં

જયન્ત : જયા ! ત્હારો સ્નેહજન્મ છે આ.

સ્નેહ જ છે સત્કર્મની પ્રેરણા.
તું સત્કર્મની સ્ન્યાસિની થઈ.