પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬
જયા-જયન્ત
 


ઉગશે સૂર્ય સમો ત્‍હેનો પ્રકાશ
પૃથ્વીના અન્ધકાર ઉજાળતો.

મહીષિ : મુખમાં હો અમૃત આપના.

કાશીરાજ : મન્ત્રીશ્વર ! દાન દ્યો વિધવિધનાં

ઠાલવો ભંડાર કે વધુ ભરાય,
આપો કે ઉભરાય પાછું.
કોઇ દરિદ્રી ન રહે આજ
કાશીરાજના મહારાજ્યમાં.

બ્રહ્મર્ષિ : રાજવી ! પ્રજાના લાડકોડ-

કાશીરાજ : મ્હારાં પ્રજાજનનાં પુણ્યપ્રતાપે જ

હું છું ઉજ્જવળો ને પ્રતાપવન્તો.
પ્રજા જ છે રાજપુરુષનું પુરુષાતન.
લ્યો, પ્રજાગણ ! મ્હારૂં રાજવેણ,
મ્હારા પૂર્વજોના પુણ્યબોલ:
ઘેરઘેર સંચરીને આપીશ ન્યાય
જે માગશે ત્‍હેને.
ન્યાય એ જ મારૂં સૈન્ય છે,
ન્યાય જ મ્હારો ભંડાર છે,
ન્યાયની પવિત્રતામાં જ વસે છે
મ્હારાં પ્રજાસન્તાનની પિતૃશ્રદ્ધા.
સદીચ્છા સુણીશ તે પૂરીશ સહુની.

લોકસભા : જય ધર્મનગરીના ધર્મરાજવીનો.