પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭
જયા-જયન્ત
 


કાવ્યરત્ન : સૂરજમાળથી સૂર્ય સુશોભિત,

સૂર્યથી સૂરજમાળ સોહાવે;
દેહ જીવે જ્યમ દેહી થકી,
અને દેહીનો દેહ કલાપ દીપાવે;
બ્રહ્મ થકી બ્રહ્માંડ પ્રકાશિત,
બ્રહ્માંડથી બ્રહ્મ વ્યક્ત કહાવેઃ
તેમ પ્રજાજન રાજનને, અને
રાજ પ્રજાજનને બહલાવે.

કલાધર : ત્‍હમારો કુલયશ તો, રાજેન્દ્ર !

ગગને ચ્‍હડી મેઘ પોકારે છે
વિશ્વનું વાતાવરણ ભરી ભરી.
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર;
ભણે તુજ કુલયશના જોર-દોર;
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર.
નિરખો ઉજાસ, નૃપ ! ભયો ભોર;
વનવન ગરજે, નૃપ ! મોર મોર;
ઝીણી જલઝકોર
ઉગતે પહોર
ભણે બિરદ ઓર
નૃપ ! ઠોર ઠોરઃ
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર.
રાજકુમાર ઉપર અન્તરિક્ષેથી અમૃતનાં છાંટા વરસે છે.