પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
જયા-જયન્ત
 


લોકસભા સત્કારે છે આદરથી;
રાણીજી ! નહીં સ્વીકારો શું ત્હમે તે?

રાજરાણી: પૃથ્વી ચળે, આભ પડે,

બ્રહ્માંડ તૂટે, પણ નહીં, રાજેન્દ્ર !
ત્ય્હારે જ મ્હેં સિંહાસન ત્યાગ્યું,
જ્ય્હારે મહાજનોએ હા ભણી.
હું બન્ધાઈ નથી એ લોકવેણથી.

ગિરિરાજ: જયન્તને નહીં જ પરણે શું જયા?

રાજરાણી: ના; રાજકુમારને જ પરણશે રાજકુમારી.

ગિરિરાજ: ગિરિદેશનો ગઢ જયન્ત,

ઈન્દ્રપુરીનો ઉગારનાર જયન્ત,
દેવોનો પ્રિયતમ જયન્ત;
યોગીઓની આશા જયન્ત,
દસ્યુઓનો દાવાનળ જયન્ત:
ગિરિદેશનું સિંહાસન મંડાયું છે
એના પિતાના દેહ પાવઠડે;
એ મન્ત્રીશ્વરનો કુમાર જયન્ત:
એ જયન્ત જયાને ન પરણે?
રાણીજી! રણવાસના ગોખેથી નહીં,
યોદ્ધાઓની આંખે નિહાળો.
છે એવો આજાનબાહુ સુભટા કો
સ્વર્ગમાં યે ઉડે છે જયધ્વજ જેના?