પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રસ્તાવના

ઈ. સ. ૧૯૧૨ ના મે માસમાં પ્રો. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને ત્ય્હાં સુરતમાં હું હતો. તે સમયે ગજ્જર સાહેબના બંગલામાંના વાતાવરણમાં નાટકનો ધ્વનિપ્રતિધ્વનિ ગાજી રહ્યો હતો. સરસ્વતીચન્દ્રના નાટક સંબંધી પડેલી તકરારના પ્રો. ગજ્જર પંચ હતા. પણ રસાયનશાસ્ત્રને તો જેમ પ્રત્યેક પ્રયોગ કોઇક નિયમનું મૂર્ત સ્વરૂપ છે તેમ, તે કલ્પનાપ્રધાન રસાયનશાસ્ત્રી સન્મુખે તો એ તકરારના પરમાણુઓમાં આધુનિક નાટકની સુધારણાનો મહાપ્રશ્ન ખડો થયો હતો. મ્હને પણ એક દૃશ્ય નાટક લખવાની સૂચના થઇ. મ્હારી ભત્રીજી ચિ. કુમારી યશલક્ષ્મી મ્હારી સાથે હતી. નૈષ્ઠિક બ્રહ્મચર્યની ત્‍હેની પ્રતિજ્ઞાએ જોઇતા વસ્તુનું સૂચન દીધું. એ ઉભયનું પરિણામ-યથાશક્તિમતિ-આ જયા અને જયન્ત.

એ ખરૂં છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં લીધેલાં વ્રત ઘણાંનાં અખંડ રહ્યાં નથી, અને તે નૌકારૂઢ વિએઅલા જ ભવસાગર વણબૂડ્યા તરી ઉતરે છે. આપણા તેમ જ યૂરોપના ઇતિહાસમાંની સાધુસાધ્વીઓના મઠોની કથા એકરંગી માત્ર ઉજ્જવળી જ છે નહિ. છતાં રામાયણમાંથી શ્રી હનુમાનજીના વજ્રકછોટાનો અને મહાભારતમાંથી ભીષ્મ પિતામહની ભીષ્મ પ્રતિજ્ઞાનો મહામન્ત્ર મનુષ્યજાતિએ વિસારી મૂકવા જેવો યે નથી.