પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
જયા-જયન્ત
 

(પૃથ્વીમાંથી ભૂતકાલમાં પધારે છે.)

ભૂતકાળ : યોગીરાજ ! આદેશ.

દેવર્ષિ : બચ્ચા ! જગતની શી સેવા સાધી ?

ભૂતકાળ : યોગીરાજ ! ઈતિહાસમૂર્તિ છું.

સૃષ્ટિનું હું સ્મરણ છું,
માનવકથાનું મહાકાવ્ય છું,
ચિત્રવિચિત્રનો ચોપડો છું.
મહાપુરૂષોના અનુભવ છું, ડહાપણ છું.
ઉદાર દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
અમૃતાક્ષરે લખું છું, સત્કર્મો સાધુઓનાં,
બોધના શબ્દે આલેખું છું
જીવનભૂલો કો અસાધુઓની.
ઢાંકેલા ધરા, ભયની ગુફાઓ
દાખવું છું પ્રવાસીઓને
મનુષ્યના મનુષ્યત્વના
લખ્યા છે ચાર વેદ મ્હેં;
ને મૂક્યા છે ચાર દિશાઓમાં
દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે;
એ મહેલનો હું વજ્રપાયો છું;
બ્રહ્માંડ જેટલો પુરાણ,
ને બ્રહ્મ જેટલો અવિચળ.
મ્હારૂં નામ 'હતું'