પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧
જયા-જયન્ત
 


માંડું એ અગ્નિના અગ્નિહોત્ર,
ને આદરૂં અખંડ એ અગ્નિચર્યા.
એ જ મ્હારૂં તપ.
ન ભટકવું ભવવનમાં મ્હારે;
'ભમીશ તો ભૂલો પડીશ.'
અહીં જ મારો ધરતીનો છેડો;
આ મ્હારી હરિકુંજ.
જયા ! હવે ત્‍હારા સ્નેહયોગ,
ને ત્‍હારી જ જપમાળા.
જાવ, ઓ ફૂલડાંની ફોરમો !
ઓ બ્રહ્માંડનાં બ્રહ્મતેજ !
જાવ જયાને દેશ,
ને દ્યો નોતરાં નિગમાગમનાં
આ આશ્રમના ઉત્સવને કાજે.
હા ! સ્થૂલ સૂક્ષ્મ થયું જાણે;
ચમક્યો જાણે એક ચેતનયોગ,
ને જયા યે જગતમાંથી સમેટાઇ
સમાઇ મ્હારા આત્મામાં.
જયા ! જયા !
તપસ્વી તપ આદરે છે.