પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

એમને લાગતું કે અકબરનું વર્તન હવે ધીમે ધીમે પોતાની તરફ બદલાતું જતું હતું. દરબારમાં નમકહરામ લોકોનું ચલણ વધતું જતું જોઈને બહેરામખાં મનમાં અકળાય છે. અકબર આવા લોકોને ઓળખ્યા વગર એમની ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકે છે એ બહેરામખાંને પસંદ નથી એ સંબંધમાં બંને પતિ-પત્નિ વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમ્યાન ગાંડા બનેલા હાથી દ્વારા જમુનાના જળમાં નૌકાવિહાર કરતા બહેરામખાંની નૌકાને ઉડાવી દેવાનો પ્રયત્ન થાય છે. ત્યારે પોતાના એક વફાદાર સાથીના પ્રાણના ભોગે બહેરામખાં બચી તો જાય છે પણ ત્યારથી હાથીઓ તરફનો રોષ એટલો બધો વધી પડે છે કે બધા જ હાથીને એ અમીરોને વહેંચી દે છે અને ભર્યું ભર્યું હાથીખાનું જે અકબરે પ્રેમથી બનાવ્યું હતું તે ખાલી થઈ જાય છે.

આ બધા આઘાત-પ્રત્યાઘાતોની ઓછીવત્તી અસર અકબર-ચિત્ત ઉપર થતી હતી પણ એનું જુવાન દિલ હજી ખેલવા-કૂદવા તરફ વધુ હતું એટલે જલદીથી એ બધું વીસરી જતો હતો. પણ છેલ્લો જે પ્રહાર ગજ શાળામાંથી આવ્યો એ એના મર્મસ્થળ ઉપર અસર કરી ગયો. જુવાન બાદશાહને લાગ્યું કે અહીં મારી ગણના કંઈ નથી. હું તો માત્ર પૂતળું છું. મારા નામે બહેરામખાં ગમે તે ખેલ રચે છે. એમાં બીજો પ્રહાર થયો અંતઃપુરમાંથી આ પ્રહાર અંતઃકરણ પર અસર કરી ગયો.

મરિયમ મકાની એટલે કે માતા હમિદાબાનુ બહેરામખાં અને અકબર બાદશાહ વચ્ચેના આંતરકલહને કારણે આગ્રા છોડી દિલ્હી જતાં રહ્યાં. એઓ ઇચ્છતા હતા કે બહેરામખાં અને અકબર વચ્ચે મનમેળ સ્થપાય પણ એ શક્ય જણાતું નહોતું. હમિદાબાનુના ગયા પછી અંતઃપુર આંતરકલહનો અખાડો બની ગયું. અકબરની ધાવમાતા માહમ અનગાની આગેવાની નીચે બહેરામખાં વિરુદ્ધ જાતજાતની ફરિયાદો અકબર સુધી પહોંચવા માંડી. માહમ અનગાની વાતનો સૂર એક જ હતો કે કોઈ પણ હિસાબે રાજ્યની બાગડોર સાચા અર્થમાં અકબરે હાથમાં લેવી જોઈએ. પણ હજી બહેરામખાં તરફ અકબરને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. એને કારણે અકબર શાંતિથી આ વાવાઝોડાને ખાળ્યા કરતો હતો.

ત્યાં એક પ્રસંગે એનો પરિચય રાજા બિહારીમલ અને એના વીર