પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૯૧
 

મહાવતને એટલા માટે મરાવ્યો હતો કે એ પોતાના હાથીને નિયંત્રણમાં નહોતો રાખી શક્યો અને એણે બહેરામખાંના હાથી ઉપર એવો હુમલો કર્યો કે એકના આંતરડા બહાર નીકળી ગયા. એ જ રીતે એક વખત બહેરામખાં નૌકાવિહાર કરી રહ્યો હતો ત્યારે અકબરનો એક હાથી મહાવતના નિયંત્રણ બહાર જતો રહ્યો અને બહેરામખાંની નૌકા તરફ જતો રહ્યો. બહેરામખાંએ એ મહાવતને મૃત્યુદંડ દીધો.

(૩) બહેરામખાં શિયાપંથી હતો જ્યારે અકબર અને એના અમીરો સુન્ની. સુન્ની પંથી અમીરો બહેરામખાંનો દ્વેષ કરતા હતા. એક શિયાપંથીના અનુશાસનમાં રહેવું એ લોકોને ગમતું નહોતું. બહેરામખાંએ સુન્ની પંથી વ્યક્તિઓના હિતની ઉપેક્ષા કરી અને પોતાના પંથવાળાને ઉચ્ચ પદવીઓ આપી. બહેરામખાંએ મુસાહિબ બેગ અને પીરમહમદને સુન્ની હોવાને કારણે જ પદચ્યુતત કર્યા. શેખ મહંમદ ગૌસ જેવા ધર્માધ્યક્ષને સ્થાને શિયાપંથી શેખ ગદ્દાફીને નિયુક્ત કર્યો આથી પણ બહેરામખાં તરફ સુન્ની પંથીઓમાં ભારે રોષ પેદા થયો.

(૪) અકબરના હિતેચ્છુ અને બહેરામખાંના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે બહેરામખાં ખાનગીમાં કામરાનના પુત્ર અબુલ કાસિમનો પક્ષ લે છે કારણ કે એ શિયા છે. એને સિંહાસન ઉપર બેસાડવા માટે અકબરને પદ્દચ્યુત કરવાની પેરવી બહેરામખાં કરી રહ્યો છે. આ અફવા સાંભળીને બહેરામખાંની સ્વામીભક્તિમાં અકબરને સંદેહ ઊભો થયો.

(૫) અકબરની ધાવમાં માહમ અનગા અને અંતઃપુરની સ્ત્રીઓએ પણ બહેરામખાં વિરુદ્ધ અકબરના કામ ભંભેર્યા.

(૬) અકબર અને એના સેવકોને ખર્ચ માટે બહેરામખાં મામૂલી રકમો આપતો. પરિવારના સભ્યોને પણ સદા અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં રહેવું પડતું, જ્યારે બહેરામખાં પોતે અને એના સેવકો છૂટની ધન વાપરતા.