પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

દાદ-ફરિયાદ સંભળાય છે, બાકી તો હાથીના કાન પર કીડી’ (પૃ. ૧૪૨), ઝાઝા કાગડે ઘડુ ઘેરાયુ (પૃ. ૩૧૨), વાતાવરણની પ્રતીતિકરતા વધારવા ગુજરાતી બાનીમાં અરબી-ફારસી શબ્દોના સાથિયા પૂરતો લેખક ક્યારેક સાવ અજાણ્યા અને સામાન્ય જનને સમજવા કઠિન શબ્દપ્રયોગો પણ કરી બેસે છે; જેમ કે મુરાદાદારદ (પૃ. ૮, મરેલો જેવો), કસાબા (પૃ. ૫૧, માથે બાંધવાનો રૂમાલ) કસીદા, (પૃ. ૫૧, દુહો), મર્દુમસનારા (પૃ. ૫૬, નરરત્ન પરીક્ષક).

‘વિક્રમાદિત્ય હેમુ’ ‘ભાગ્યનિર્માણ’ અને ‘દિલ્હીશ્વર’ એ નવલત્રયી દ્વારા રાષ્ટ્રીય ઐક્યના હિમાયતી અને સાહિત્યનો-કલાનો જીવનસુધારણાને માટે ઉપયોગ કરનાર સર્જકે મુનશી, દર્શક વગેરેની જેમ રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન કર્યું છે, ભારતના આવા ભવ્ય વારસાને સમાજ સમક્ષ રુચિર નવલકથાઓ દ્વારા રજૂ કરીને લેખક એ વાતની પ્રતીતિ કરાવવા માગે છે કે ‘સુલહ કુન બા ખઆસ ઓ આમ’ - ‘સહુની સાથે મળીને રહો.’ આ નવલત્રયી સમાજમાં એવા સમયે આવે છે જ્યારે હિંદુ-મુસ્લિમના ભેદભાવનું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતરતું જતું હતું. અંગ્રેજોએ હિંદુસ્તાન-પાકિસ્તાન કરાવીને હિંદુ-મુસ્લિમ કદીય સાથે ના રહી શકે એવું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતારી દીધું હતું. આવા વિષમય વાતાવરણ વખતે હિંદુ-મુસ્લિમ ઐક્યની કલ્પનાકથા નહીં પણ ઇતિહાસસિદ્ધ હકીકતોને રૂપકડા કલાકસબથી નવલકથાના સંયોજનમાં મઢીને લેખક પ્રસ્તુત કરે છે.

વિક્રમાદિત્ય હેમુની પ્રસ્તાવનામાં અને અન્યત્ર પણ જયભિખ્ખુ ઉલ્લેખે છે કે રાજશેતરંજ એક ન્યારી ચીજ છે. મહમદ ગજનવી જેવા વિજયી સુલતાનનો સેનાપતિ તિલક હિંદુ હોય, હેમરાજનો સેનાપતિ શઆદીખાન મુસ્લિમ હોય એ ઘટનાઓ જ બતાવે છે કે આજે આપણે જેને નવી રોશની કહીએ છીએ તે સાચી રોશની નથી. વસ્તુપાલ જેવા પ્રચંડ વીરો મસીદો બંધાવે, મક્કાની હજ માટે વ્યવસ્થા કરી આપે, કાશ્મીરના જૈનુલ આબિદીન જેવા સુલતાનો હિંદુ મંદિરોના પુનરુદ્ધાર કરાવે એ ઘટનાઓ કે બીનાઓ આપવાદ માત્ર નથી. ચુસ્ત મુસ્લિમ બાદશાહ ગઝનવીના સિક્કા પર