પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પ્રેમભક્ત કવિ જયદેવ

જયભિખ્ખુની રસિકતાનો, સંસ્કૃત જ્ઞાનનો, જયદેવ વિષેના જરૂરી અધ્યયનનો તથા સૂક્ષ્મ વિવેકશક્તિનો પરિચય કરાવતી 'પ્રેમભક્ત કવિ જયદેવ' ઐતિહાસિક નવલકથા છે. 'ગીતગોવિંદ' એ સંસ્કૃત સાહિત્યનું વિશ્વપ્રસિદ્ધ, અદ્ ભુત લોકપ્રિય શૃંગારકાવ્ય. બારમી શતાબ્દિમાં વંગદેશાધિપતિ ગૌડેશ્વર મહારાજ લક્ષ્મણસેનના રાજ્યકાળમાં આ કાવ્યની રચના થઈ અને એ જ સમયે, કર્તાની હયાતી દરમ્યાન જ ભારતમાં એને અપૂર્વ પ્રસિદ્ધિ સાંપડી. કવિના પોતાના જ જીવનકાળ દરમિયાન આવી પ્રસિદ્ધિ બહુ ઓછા કવિઓની ઓછી રચનાઓને પ્રાપ્ત થતી હોય છે.

'ગીતગોવિંદ' લોકોત્તર પ્રેમશૃંગારનું કાવ્ય છે. એના અનુકરણમાં અનેકોએ રચનાઓ કરી છે. પણ અસલનાં ગેયતા, માધુર્ય કોઈ કૃતિમાં નીપજી શક્યાં નથી. એ કાવ્યમાં અનુભવાય છે એવા ભાવ, અર્થ અને સંગીતનું કલાત્મક સાયુજ્ય ભાગ્યે જ અન્યત્ર મળી આવે. આ એક જ કાવ્યરચનાએ એના કવિને મહાકવિનું બિરુદ કમાવી આપ્યું છે. આવા અજોડ ભક્તિશૃંગારથી છલકાતા કાવ્યના રચયિતા છે મહાકવિ જયદેવ. 'કવિરાજરાજેશ્વર' એ ગૌડેશ્વર દ્વારા એમને મળેલી પદવી. વલ્લભ સંપ્રદાયમાં એમનું પદ આચાર્ય તરીકેનું છે.

આવા લોકપ્રિય કાવ્યના રચયિતા કવિના જીવન વિષે જે માહિતી સાંપડે છે એમાં ઇતિહાસ ઓછો, દંતકથા અને ચમત્કાર વધુ છે. છેલ્લું સંશોધન 'ગીતગોવિંદ'ના રચયિતા જયદેવને બારમી શતાબ્દિમાં સેનવેશના રાજ લક્ષ્મણસેનના સમયમાં મૂકી આપે છે. વંગ દેશાધિપતિ મહારાજ લક્ષ્મણસેનની કવિસભામાં જયદેવનું સ્થાનમાન ખૂબ ઊંચું હતું, એટલી હકીકતને કેન્દ્રમાં રાખીને સર્જકે ઇતિહાસની ઓછી માહિતીને કલ્પનાના કસબમાં મઢીને કૃતિરૂપે રજૂ કરી છે. અલબત્ત, લેખકે ઇતિહાસને ક્યાંય મરડ્યો નથી. ખપ પૂરતી માહિતીને એમણે સકુશળ રીતે નવલકથામાં ગૂંથી છે. તેઓ પોતે પણ આ સંદર્ભમાં પ્રસ્તાવનામાં ખુલાસો કરે જ છે. 'કોઈ ખંડિત કલેવરોમાંથી નવી ઇમારત સર્જે એમ મેં મહાકવિનો જીવનપ્રાસાદ ચણ્યો છે. અનાધાર કોઈ રચના નથી. તેમ કોઈ એક જ ગ્રંથનો એને