પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૯૭
 

આધાર છે, એમ પણ નથી. લેખકે પોતાની વિવેકશક્તિને આમાં જરૂર વણાવા દીધી છે.' (પૃ. ૭, ૮)

સંધ્યાકાશે મનોરમ વાતાવરણ વચ્ચે નવલકથા આરંભાય છે. જગન્નાથ મંદિરના પૂજારીને ત્યાં ઊછરીને મોટી થયેલી યૌવનની સુરેખ પ્રતિભા શી પદ્માનો ભૂતકાળ પૂજારીની આંખોમાં ઉકેલાય છે. ભગવાન જગન્નાથના નાટ્યમંદિરની નાયિકા તરીકે ટૂંક સમયમાં સ્થાન પામનારી પદ્માને લઈને આજથી બાર વર્ષ પહેલાં એના માતાપિતા આ મંદિરમાં આવ્યા હતા. જગતશત્રુઓથી બચવા આવેલા આ બાળકીના પિતાનું મંદિર પ્રવેશ સમયે જ સર્પદંશથી મૃત્યુ થયું. એટલે સતી સાધ્વી એવી એની માતાએ પુત્રીને પૂજારીજીને ભળાવી પતિ પાછળ વિદાય લીધી.

એકાકી પૂજારીના શુષ્ક જીવનમાં આ હીણભાગી બાળકીએ નવચેતન પૂર્યું. માના હેતથી હાલરડાં ગાઈ, સખીની સુંવાળપથી એના કેશ સમારી શિક્ષકના સ્નેહથી ભણાવી ગણાવી પૂજારીએ પદ્માને રૂપયૌવન સોળે કળાએ ખીલી ઊઠેલું નિહાળી પૂજારીનું અંતર ક્યારેક અદીઠ ભયથી કંપી ઊઠતું. સમય જતાં શરદપૂર્ણિમાને દિવસે આવેલા એક યુવાનને પૂજારીએ ધીમે ધીમે હેળવી-કેળવી પૂજાનો ભાર સોંપી નિવૃત્તિ તરફ પ્રયાણ કરવા માંડયું.

ચંચળ પદ્માવતીને આ યુવાન પરદેશી તરફ કોઈ અગમ્ય આકર્ષણ જાગ્યું હતું. યુવાનની ભલીભોળી યુવાની એના રૂપાળા હૈયામાં ઘર બાંધી રહી હતી. ધીરે ધીરે એણે જયદેવ સાથે વધુ ને વધુ પરિચય કેળવવા માંડ્યો. એ થોડી ક્ષણો માટે ભૂલી ગઈ હતી કે થોડા દિવસમાં જ એ મંદિરની સેવામાં અર્પણ થવાની હતી ને મંદિરની સેવાદાસીને ભગવાન સિવાય કોઈની સાથે પ્રેમ કરવાનો અધિકાર નહોતો. એ તો જયદેવની ધૂનમાં વધુ ને વધુ લયલીન બનતી એક વખત જયદેવ સમક્ષ પ્રેમનો એકરાર પણ કરી બેઠી. જયદેવે પણ પોતે પદ્માને મનોમન ચાહતો હોવા છતાં પોતાની સાથેના પ્રેમને કારણે વેઠવી પડતી આપત્તિઓ સંબંધે ચેતવી કહ્યું, “પદ્મા... તું તો પૂજાનું પુષ્પ છે. એક વૈષ્ણવનો તારા પર અધિકાર.. મહા અધર્મ... અક્ષમ્ય અપરાધ” (પૃ. ૨૫). પણ પદ્મા તો મક્કમ છે. એ કહે છે કે સાચા પ્રેમને દુનિયા કદી પચાવી શકી નથી પણ સાચા પ્રેમીઓએ