પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૦૩
 

સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલા ભગવાન ઋષભદેવ તથા ચક્રવર્તી ભરતદેવ અને કામદેવના અવતાર લેખાતા બાહુબલિના શ્વેતાંબરી, દિગંબરી, વૈદિક, અવધૂતપંથી એવાં અનેક ચરિત્રો વાંચીને, એમાંનાં ચમત્કારો, સાંપ્રદાયિક મોટાઈનાં વર્ણનો વગેરેને ગાળી નાખીને લેખકે પ્રસ્તુત નવલત્રયીમાં ભગવાન ઋષભદેવ અને તેમના પુત્રોનું જે ચરિત્ર ઉપસાવ્યું છે તેમાં કેન્દ્રસ્થાને છે ઋષભદેવ દ્વારા રજૂ થયેલો માનવતાનો મહિમા.

અસંસ્કૃત માનવતા હજી સંસ્કૃતિમાં પહેલાં પગલાં માંડતી હતી એ સમયની જૈન આગમગ્રંથોને આધારે રચાયેલી આ નવલત્રયીનું કથાવસ્તુ કિંઈક આવું છે. સંસારમાં સર્વપ્રથમ રાજસંસ્થા અને લગ્નસંસ્થા જન્માવવાનો યશ જેને ફાળે જાય છે તે ઋષભદેવે સૌપ્રથમ ટોળામાંથી પ્રજા સરજી. પ્રજાને શિલ્પકળા અને વિદ્યા શીખવી અને એ રીતે સમાજનું ઘડતર કર્યું. ભગવાન ઋષભદેવે જગતમાં સબળ નિર્બળને સતાવે એવો મત્સ્યગલાગલ ન્યાય દૂર કરવા રાજસંસ્થા સ્થાપી. સમાજ તંદુરસ્ત રહે એ માટે લગ્નસંસ્થા યોજી અને અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યાગપ્રધાન ધર્મમાં છે એ બતાવવા ભર્યા વૈભવો છોડી એ સાધુ બન્યા.

હિંદુ પરંપરાએ ભગવાન ઋષભદેવને અવતાર તરીકે ઓળખાવ્યા છે. એમને બે પત્ની હતી. એકનું નામ સુમંગલા અને બીજીનું સુનંદા. દેવી સુમંગલાએ ભરત, બ્રાહ્મી વગેરે પુત્ર-પુત્રીઓને જન્મ આપ્યો. દેવી સુનંદાએ બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો.

આ પુત્ર-પુત્રીઓમાં ભરત મહાપરાક્રમી, નૃત્યકલા અને નીતિકલાનો વિશારદ હતો જ્યારે બાહુબલિ કામદેવનો બીજો અવતાર ગણાતો. બ્રાહ્મી અને સુંદરી સરસ્વતી અને લક્ષ્મીના અવતારરૂપ હતી. ભગવાન ઋષભદેવે સૌ સંતાનોને ઉચિત શિક્ષણ આપ્યું અને આત્મકલ્યાણ અર્થે જ્યારે સંસારત્યાગ કરવાનો સમય આવ્યો એ સમયે પોતાના પુત્રોમાંથી જ્યેષ્ઠ પુત્રને અયોધ્યાની ગાદી ને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું.

ઋષભદેવના જીવનકાળ દરમિયાન ભાઈ-બહેન પરણતા હતા. ઋષભદેવે આવાં લગ્નોને અયોગ્ય કહ્યાં. આ સમયે ભરત બાહુબલિની બહેન સુંદરીના મોહમાં હતો. સુંદરીનું રૂપ ઉષા જેવું પવિત્ર અને કમળદળ