પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૦૫
 

આ ત્રણેય નવલોનું કથાવસ્તુ નવું નથી. કથા તો અતિ પ્રચલિત છે પણ જે વાત આપણે પહેલાં અનેકવાર સાંભળી હતી તે જ્યારે અહીં નવલકથાકારના શબ્દોમાં રજૂ થાય છે ત્યારે એના રૂપરંગ અનોખાં બની ગયાં છે.

કાલિદાસ, ભવભૂતિ અને બાણના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં સ્નાન કરતા હોય એવો અનુભવ જયભિખ્ખુની કલમમાંથી નિર્ઝરતી આ કથા કરાવે છે. નવલકથાકાર અહીં એક એક પ્રસંગ વર્ણવે છે અને એમાંથી એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે.

નવલકથામાં આદિયુગનું સંવેદન ગદ્યને પદ્યની કોટિએ પહોંચાડે છે. અને એને કારણે યુગલિક જીવનની આ સરસ રોમાંચક કથા આલેખનની અકૃત્રિમ છટાથી નવલકથાને ઘણે સ્થળે કાવ્યની કક્ષાએ પહોંચાડે છે. જેમ કે ‘ભગવાન ઋષભદેવ’નો આરંભ. લેખક મન્વંતર પહેલાંની એક વસંતને આવી કાવ્યાત્મક બાનીમાં વર્ણવે છે.

‘વસંત વને વને હસી રહી હતી.... નાનાં નાનાં મેદાનો પર માતાના સ્તન જેવા મીઠા ડુંગરા પથરાયેલા હતા, ડુંગરોની તળેટીમાં સુંદર ઉપવન વસેલાં હતાં. ઉપવનોને બારે માસ લીલાંછમ રાખતાં નાનાં નાનાં ઝરણાં આભઊંચા ડુંગરા માથેથી રમતિયાળ કન્યાના ઝાંઝર જેવો ઝણકાર કરતા વહ્યા આવતા. અહીંના લીલોતરીથી છવાયેલાં ડુંગરોના શિખરો પર કોઈ મહાકવિનો કળામય મેઘ અલકાનગરી રચતો.’ (પૃ. ૪, ‘ભગવાન ઋષભદેવ’)

કે પછી આદિ યુગમાં વસતા માનવીઓ, એમના આચારવિચાર, રહેણીકરણીને નાના નાના ગદ્ય ટુકડાઓમાં લસરતા ચિત્રફલકો રૂપે લેખક આવું ઉપસાવે છે –

‘અહીં રાજા નહોતો, અહીં પ્રજા નહોતી, અહીં દુર્ભિક્ષ નહોતો કારણ કે અહીં યુદ્ધ કે ટંટો નહોતો. જય કે પરાજય નહોતો. ઘર કે બાર નહોતાં. પરિગ્રહ કે પરિવાર નહોતા. ગામ કે નગર નહોતાં. અહીં દંડ નહોતાં કે