પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૦૯
 

સુધી રાખીશું ? પ્રેમની પ્રતિષ્ઠા કરવા માગું છું. તારી ગદાના ડરથી આ માનવકુળને ક્યાં સુધી સાચવીશ ? એમને સ્વેચ્છાએ સારું આચરતા શીખવાની જરૂર છે. (પૃ. ૨૭૯, 'ભ. ઋ.')

ભગવાન ઋષભદેવે પ્રચારેલા લગ્નના આદર્શને સમાજહિતચિંતક, સમાજશાસ્ત્રી જયભિખ્ખુ પાત્રમુખે આવી રીતે રજૂ કરે છે, 'આપણા સંતાનને આમ નહીં જીવવા દઈએ. આપણી પુત્રીને કોઈની સાથે ને આપણા પુત્રને કોઈની પુત્રી સાથે નિયોજીશું. એમ કરીશું તો જ આ માનવકુળો વચ્ચેની રોજની લડાઈઓ, વેરઝેર ઓછાં થશે. આજે તેઓ ભેગાં થઈને જે ઝેરી લડાઈઓ લડે છે, એ ઝેર આ રીતે લોહીની સગાઈથી ઉતારી શકાશે.' (પૃ. ૭૧, ભ. ઋ.)

આ નવલકથાના નાયક ઋષભદેવની એક જ ચિંતા છે 'આ માનવજાતનો ઉધ્ધાર કેમ થાય ? .... એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે ? સંસ્કારનાં બંધન સહુને સુખને ઝૂલે કેમ ઝુલાવે?' (પૃ. ૧૩૬, ભ. ઋ.) જાણે જયભિખ્ખુ જ ઋષભદેવના પાત્ર દ્વારા પોતાના અંતરની આ આરત વ્યક્ત ન કરતા હોય એવું નવલકથાના સમગ્ર વાચનને આપણે અનુભવીએ છીએ.

ઋષભદેવના જીવનસંદેશને પ્રસરાવતા એમના બે પુત્રોની કથા બીજા અને ત્રીજા ભાગમાં ફેલાય છે. 'ચક્રવર્તી ભરતદેવ'ની કથા સંસ્કૃતિ પ્રચારાર્થે ઘૂમતા, સમાજને ઉદ્યમપરાયણ નાગરિકજીવનનો બોધ આપતા ભરતદેવના જીવનકાર્યને આલેખે છે. મહત્વાકાંક્ષી ભરતદેવે સૃષ્ટિને એકતંતુએ સાધવા રણભૂમિમાં કેવાં પરાક્રમો કર્યા એનું વર્ણન કરતી આ કૃતિમાં કથાતંતુના સાતત્યમાં વિચ્છેદ કરે એવા લાંબા ભૂગોળવર્ણનો આવે છે. 'પૃથ્વીનું માનસચિત્ર' પ્રકરણ આ દૃષ્ટિએ નોંધનીય છે. લેખકનું આ પ્રકરણમાં પ્રગટતું ભૂગોળજ્ઞાન માન ઉપજાવે એવું છે, ભગવાન ઋષભદેવે પ્રસારેલી તત્વત્રયી અસિ, મસિ ને કૃષિ તથા ગુણત્રયી દયા, દાન ને દૈવત જ્યારે પૃથ્વીના પાટલેથી હણાતાં ચાલ્યાં હતાં, એ સમયે ભરતદેવ માનવતાનો શિલ્પી બનવા નીકળી પડે છે. એનું પાત્ર પણ લેખકે સરસ ઉપજાવ્યું છે.