પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૧૧
 

કહેવાની પદ્ધતિ રંગદર્શી છે. બાહુબલિ અને ભરત બંનેની સ્પર્ધાનું નિરૂપણ કલાત્મક ઢબે થયું છે.

નવલકથાના ત્રણ ભાગમાં પ્રેમ, જ્ઞાનવહેવાર, વૈરાગ્યના પાને પાને વેરાયેલાં સૂત્રોમાં ઘણીવાર શાયરી અને કાવ્યાત્મકતાના ચમકારા દેખાય છે. રંગમહેલ કે ઉપવન, યુદ્ધ કે પ્રણયની વર્ણનમાં લેખકની કલમ સરસ ચમકી ઊઠી છે. પાત્રોને રોચક કલાત્મક રીતે મઢીને કથામાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન નોંધનીય છે. અલંકૃત શૈલીનો પ્રયોગ પાત્રોને ઘડનાર એક મહાબળ તરીકે રહ્યો છે. તે માટે ઘણે સ્થળે ચરિત્રવર્ણન લેખકને જ કરવું પડ્યું છે, છતાં એ કથાના આસ્વાદમાં અવરોધક બનતું નથી. લેખકની પ્રતિભા શાંત, કરુણ અને શૃંગાર રસનાં પ્રતિનિધિ પાત્રોમાં જેટલી ખીલી ઊઠે છે એટલી વીર અને શૌર્યનાં પ્રતીક સમાં પાત્રોનાં ચિત્રણમાં ખીલી ઊઠતી નથી. સંવાદો પ્રસંગાનુસાર ચમકદાર છે અને પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે. વિશ્વવિજય નહિ, આત્મવિજય મહત્ત્વનો છે એ સર્જક જયભિખ્ખુની મનપસંદ ફિલસૂફી ત્રણે નવલકથાઓમાં પુષ્પમાંની સુગંધની જેમ પ્રસરી રહી છે.

જયભિખ્ખુના મતે ભગવાન ઋષભદેવની આ કથા વિજ્ઞાનીઓ માટે પણ અભ્યાસયોગ્ય છે, કારણ કે નૃવંશશાસ્ત્ર, પ્રાણવિદ્યા અને વિકાસવર્ધનની કેટલીયે કથાઓ એમાં દસ્તાવેજી રૂપે પડેલી છે. આજે યુદ્ધના પડછાયા આખા જગત પર વિરાટ રૂપે પથરાઈ ગયા છે. મહા જોગણીઓનાં કાળ ખપ્પર જાણે આજે માનવભોગનાં ભૂખ્યાં બન્યાં છે. માનવસંહારનાં સાધનો પાછળ જગતની મહાલક્ષ્મી વપરાઈ રહી છે, અને એ સંહારની સામે પ્રતિસંરક્ષણને નામે પ્રજાના પેટનો કોળિયો પણ ઝુંટવાઈ રહ્યો છે. મહાસત્તાઓ બેફામ ખર્ચા કરી રહી છે, માણસાઈ પિલાઈ રહી છે, પશુતાનો જય અને પ્રભુતાનો પરાજય થાય તેવો ભય ઊભો થયો છે ત્યારે શુદ્ધની ભૌતિક અને આધ્યાત્મિક રીતની અહીં થયેલી ચર્ચા મનનીય છે.

ધર્મનું મુખ્ય ધ્યેય માનવીને સાચા સુખશાંતિનો માર્ગ ચીંધી કલ્યાણના રાહે દોરી જવાનું હોય છે. માનવજીવનના આરંભકાળથી તે આજ સુધી માનવી કેવી રીતે સુખી થાય, એને કઈ રીતે સુખી કરવો એ જ પ્રશ્ન સૌથી વધારે જટીલ, ગંભીર અને મોટો રહ્યો છે. આ કૃતિ માનવીને સાચા સુખની