પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પ્રેમભાવે યુદ્ધમાંથી મુક્ત કરે છે. ભગવાન મહાવીરની ઉપદેશવાણી ગ્રહી સૌ પૃથ્વીને દ્વેષનું દેવળ બનાવવાને બદલે પ્રેમનું મંદિર બનાવવા માટે સજ્જ થાય છે. આ છે નવલકથાનું મુખ્ય વસ્તુ.

'મસ્યગલાગલ'નો અર્થ થાય છે માત્સ્યી ન્યાય. સબળ દ્વારા નિર્બળની સતામણીનો આ માત્સ્યી ન્યાય આપણે ત્યાં ખૂબ જૂના સમયથી જાણીતો છે. લેખકે આ માત્સ્યી ન્યાય દર્શાવવા ઇતિહાસપ્રસિદ્ધ પાત્રો અને કથાનકોનો આશ્રય લીધો છે. એ પાત્રો અને કથાનકો માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, વત્તેઓછે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. એટલે આ કથાને જૈન નવલકથા માનવાની જરૂર નથી. લેખક કહે છે તેમ 'કથાસાધન માટે સ્વીકારાયેલા આ વાર્તાતત્વને સંપ્રદાય સાથે કોઈ સંબંધ નથી. એ વેળા જેનો સ્વાધ્યાય ચાલતો હતો, એ મહાવીરજીવનમાં આવેલી આડકથાઓમાંથી એકાએક આ નવલ ગૂંથાઈ ગઈ છે.' (લે. નિવેદન, પૃ. ૯)

આ નવલકથાના સર્જનનું નિમિત્ત બની છે. હિરોશીમા-નાગાસાકી પરની એટમ બોંબ પડ્યાની ઘટના. લેખકના નિવેદનમાં આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરતાં જયભિખ્ખુએ કહ્યું છે કે એ સમાચાર સાંભળીને લેખકનું ચિત્ત ખૂબ વ્યગ્ર બન્યું. પ્રજાની પરસેવાની મૂડીનો આવો દુરુપયોગ એમના મનને પજવી ગયો. એક પ્રજા બીજી પ્રજાનું નખ્ખોદ કાઢવા સદાકાળ સજ્જ રહે એ કેટલું કરુણ ? 'વસુધૈવ કુટુંબકમ્'ની વાતો એ શું માત્ર પોથીમાંનાં રીંગણાં ? જ્ઞાન-વિજ્ઞાનનું અંતિમ એ શું આ જ ? સંસ્કૃતિની પરાકાષ્ઠા અને પ્રગતિ શું આ માટે જ ? સબળ દ્વારા નિર્બળનું ભક્ષણ એ જ શું સુધરેલા અને સંસ્કૃતિઘર ગણાતા સમાજનું લક્ષ્ય ? લેખકને આ બધું વિચારતાં લાગ્યું કે માનવજાત ફરીથી જ જંગલિયાત તરફ તો નથી જતી ને ? પૃથ્વી ઉપરથી હજીએ પશુરાજ્યનો અંત આવ્યો નથી ને ધર્મરાજ્ય કાયમ થઈ શક્યું નથી. બલ્કે ધર્મને માણસે ધતિંગ માનીને દૂર ફગાવવા માંડ્યો છે. માણસ જ સૃષ્ટિનો ભોક્તા... માણસ માટે જ બધું.... માણસને જ જીવવાનો હક્ક... પારકાના ભોગે પણ જીવવાનો હક્ક... માણસમાં પણ બળવાનને જ જીવવાનો હક્ક, સબળ નિર્બળને રગદોળે એ સ્વાભાવિક. સબળને ક્રૂર બનવાનો હક, નિર્બળને ક્રૂરતા સહન કરવાની ફરજ. આ