પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

આશાવાદી સર્જક છે. જીવનમાંગલ્યથી યુક્ત એમની દૃષ્ટિ જીવનમાંથી, સંસારમાંથી સારપ જ શોધે છે, સારપને જ વર્ણવે છે. અને એટલે જ આ કૃતિનો અંતિમ સંદેશ નિરાશાવાદી નથી. આખી નવલકથા વાંચ્યા પછી વાંચનારને એમ લાગે છે કે જો સર્વત્ર માત્સ્યી ન્યાય પ્રવર્તે છે છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લોકોત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માત્સ્યી ન્યાયનાં બળો જોઈ નિરાશ ન થતાં ઊલટો આશાવાન બને છે અનેસત્પુરુષાર્થની પ્રેરણા પામે છે. આ પ્રેરણા જન્માવવી એ જ પ્રસ્તુત નવલની આશયસિદ્ધિ છે.

આ નવલકથા આપણને એનાં પાત્રો દ્વારા, પ્રસંગો દ્વારા એક જ મુખ્ય સંદેશ આપે છે અને તે એ છે કે ભૌતિક બળો દ્વારા માનવી સુખી નહિ બની શકે. એ માટે એણે આધ્યાત્મિક માર્ગનું ગમે ત્યારે શરણ લેવું પડશે ને એ માટે અહિંસા એટલે કે પ્રેમ, અપરિગ્રહ એટલે કે જરૂરિયાતોનો સંયમ તથા અનેકાન્ત એટલે કે સર્વધર્મ સમન્વય એ તત્વત્રયનો આશ્રય લેવો જ પડશે.

પંડિત સુખલાલજી જેમણે આ નવલકથાનું પુરોવચન લખ્યું છે એમાં તેઓ કહે છે કે સત્ય બે પ્રકારનાં છે : એક તે લૌકિક અથવા માયિક સત્ય અને બીજું તે લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગતના લોકો લૌકિક સત્યનો જ આદર કરે છે અને તેમાં રસ લે છે. પણ જ્યારે તે કોઈ વિડંબનામાં સંડોવાય છે ત્યારે લોકોત્તર સત્ય જ એમને સાચો રસ્તો બતાવે છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યાભિમાન જેવાં દુરાચારી તત્વોથી પ્રેરાયેલ સબળ વ્યક્તિ હંમેશાં પોતાનાથી નિર્બળ વ્યક્તિ સામે બળનો પંજો અજમાવે છે અને પોતાનાથી વધારે બળવાળી વ્યક્તિઓ સામે દીનતા દાખવે છે. પણ જે મહાન વિભૂતિઓને લોકોત્તર સત્યનો સાક્ષાત્કાર થયો છે તેમના વિચાર અને વર્તન જુદાં જ હોય છે. તે કદી સબળ વ્યક્તિ સામે યોગ્ય રીતે નમતું આપતા નથી કે નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતા કે સતાવતા નથી. ઊલટું, એ તો પોતાના બળનો ઉપયોગ નિર્બળને દીનતાથી મુક્ત કરવામાં અને એને સબળ બનાવવામાં તથા સબળને મિથ્યાભિમાનની દિશામાંથી પાછો વાળી તેના બળનો ઉચિત ઉપયોગ સૂચવવામાં કરે છે. ભગવાન મહાવીર કે આજના