પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૧૭
 

જમાનામાં ગાંધીજી જેવી આ લોકોત્તર વિભૂતિઓ સમાજને સાચા રસ્તે દોરવા યુગે યુગે આવે છે એમ લેખકે આ કૃતિ દ્વારા સૂચવ્યું છે.

આ નવલકથા એક ઊજળો આશાવાદ લઈને આવે છે એ દર્શાવવા જ પ્રથમ આવૃત્તિમાં અપાયેલું શિર્ષક 'મસ્ત્યગલાગલ' ફેરવીને બીજી આવૃત્તિમાં લેખક આ નવલકથાને શીર્ષક આપે છે 'પ્રેમનું મંદિર'. બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં આરંભમાં જ લેખક કહે છે : 'મત્સ્યગલાગલ ન્યાય' એ ધરતીનું આદિ, પૃથ્વી પ્રેમનું મંદિર એ આ જગતનું અંતિમ ધ્યેય. આદિ અને અંત વચ્ચે ગજગ્રાહ તો ચાલ્યા જ કરે છે. ફક્ત માણસે તક પડે હૈયાદીપ પ્રગટાવી લેવાનો છે.' (લેખક નિવેદન, પૃ. ૯) એ દીપ જ એનો સ્વતંત્ર અને સુખી માર્ગ નિર્માણ કરશે. નવલકથાનાં પ્રસંગો, પાત્રો મત્સ્યગલાગલના ન્યાયમાં પોતાની રીતે હૈયાદીપ પ્રગટાવી લે છે અને જગતને અધ્યાત્મનો ઊજળો માર્ગ બતાવે છે.

ઐતિહાસિક નવલકથાકાર જયભિખ્ખુ પ્રેમાનંદ, મુનશી વગેરેની જેમ જૂની ઘટનાઓનું વિશેષ અર્થઘટન કરીને નવલકથામાં એક નવી તાજગી સિદ્ધ કરે છે એટલું જ નહીં, કેટલાક પ્રસંગોનો બુદ્ધિજન્ય ખુલાસો પણ મૂકી આપે છે. જેમ કે ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુષ્કર અભિગ્રહ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રચલિત છે. એ અભિગ્રહનું સ્વરૂપ જ જૈન સાહિત્યમાં એવી રીતે વર્ણવાયું છે કે બૌદ્ધિક રીતે આપણને એમાં અસ્વાભાવિકતા જણાય. જૈન સાહિત્ય પ્રમાણે ભગવાન મહાવીરે એવો અભિગ્રહ લીધો હતો કે પગમાં બેડી પહેરેલ, માથું મુંડાવેલ એક પગ ઊંબરામાં ને એક પગ બહાર મૂકેલ, આંખમાં આંસુથી યુક્ત લક્ષણોવાળી કોઈ સ્ત્રી પોતાને વહોરાવે તો જ પારણું કરી અભિગ્રહ પૂરો કરવો. આધુનિક વાચકને આવો અભિગ્રહ જ ઉચિત ન લાગે. એના મનમાં સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આવાં લક્ષણોવાળી સ્ત્રીનો ભિક્ષા લેવા કે દેવા સાથેનો શો સંબંધ હોઈ શકે ? આવી કઢંગી કલ્પના શા માટે કરવામાં આવી હશે ? આ પ્રશ્નનો જયભિખ્ખુએ આ નવલકથામાં બુદ્ધિગમ્ય ઉકેલ આપી નવલકથાને રસિક અને આકર્ષક બનાવી છે. તે સમયે દાસ-દાસી અને ગુલમાની પ્રથા સમાજમાં પ્રચલિત હતી એ ઇતિહાસપ્રસિદ્ધ હકીકત છે.