પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૧૯
 

રાજા પ્રદ્યોત બે ભર્યા મેઘની જેમ બાખડી પડ્યા. (પૃ. ૧૭૧, દૃષ્ટાંત), રૂદ્રની ક્રિડાભૂમિ જેવી રાજધાની (પૃ. ૧૪૬), અંગારવતી હસી પડ્યા જાણે ચંપા પરથી ચંપાકળીઓ ઝરી (પૃ. ૨૧૨), જીવનના પરાગ સમી પુત્રી (પૃ. ૨૨૨), મૂર્તિમય રાગિણી જેવી એ હવે ઉદાસીનતાની મૂર્તિ બની હતી. (પૃ. ૨૨૪), સજીવ ઊર્મિકાવ્ય જેવી વાસવદત્તા વૈરાગ્યનું શુષ્ક કાવ્ય બની હતી (પૃ. ૨૨૪), ગ્રીષ્મ ઋતુના ઝરણ જેવો શીતળ રાજા પ્રદ્યોત (પૃ. ૨૨૫), વાસવદત્તાના મોં ઉપર લજ્જાના ડોલર ખીલી રહ્યાં. (પૃ. ૨૩૮), પુષ્પધનન્વાને બેળે બેળે જાગવું પડે તેવી એ ઘડી હતી. (પૃ. ૨૪૫), લજ્જાવંતીના છોડ જેવી વાસવદત્તા (પ્રૂ. પપપ).

આપણે વિસ્તારથી જોઈ ગયા કે આ નવલકથા સર્જકચિત્તના ક્ષોભનું પ્રત્યક્ષ પરિણામ છે. એને કારણે નવલકથામાં પાત્રપ્રસંગના નિરૂપણને યોગ્ય ન્યાય મળ્યો નથી. લાંબા પરિચ્છેદોમાં પ્રવર્તતું ચિંતનાત્મક ગદ્ય અલાયદા નિબંધો તરીકે નિઃશંક નોંધપાત્ર બને, પણ અહીં નવલકથામાં એનો ઉપયોગ વિવાદાસ્પદ બને એટલી હદે પ્રચારાત્મક પ્રસાર ધરાવે છે. (જયભિખ્ખુની આ નવલકથામાં ચિંતનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી એનું કલાગત મૂલ્ય ઊણું ઊતરે છે, એટલું નોંધવું જ રહ્યું.)

'બૂરો દેવળ' :

માનવઇતિહાસનાં પૃષ્ઠો માનવીની ભલાઈ અને બૂરાઈ બંનેનાં સામટાં દર્શનથી જ ઉકેલી શકાય છે. પણ ઘણીવાર સૃષ્ટિ ઉપર એવું બન્યું છે કે માનવીમાંની ભલાઈ સદંતર લુપ્ત થઈ ગઈ હોય, ભલાઈને બૂરાઈ ખાઈ ગઈ હોય ત્યારે સૃષ્ટિ ઉપર રાજ્ય રહે છે માત્ર બૂરાઈનું. માનવસૃષ્ટિ 'બૂરો દેવળ' બની જાય ત્યારે એવી માનવસૃષ્ટિને ભલાઈ તથા બૂરાઈના અંજામ સમજાવતી કૃતિ છે 'બૂરો દેવળ'.

મારવાડના રેગિસ્તાનની દિલાવરીની અને બૂરાઈની ગાથા આલેખતી આ ઐતિહાસિક નવલકથા ઈ. સ.ની સોળમી-સત્તરમી સદીના રાજપૂતમોગલ ઇતિહાસને મોટે ભાગે વફાદાર રહીને કલારૂપ બક્ષે છે. આ નવલકથામાં નિરૂપાયેલી મુખ્ય મુખ્ય ઘટનાઓ જેવી કે દિલ્હીના આલમગીર બાદશાહ ઔરંગઝેબ દ્વારા જોધપુરનરેશ જશવંતસિંહને કાબૂલના નિયામક