પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

લેખકની વર્ણનશૈલી આગવી છે. ક્યાંક સ્થળ વર્ણનો વિગત ખચીત હોય છે તો ક્યાંક ચિત્રકારની પીંછીના સ્પર્શથી આકર્ષક બનેલાં હોય છે. ગદ્યકાર જયભિખ્ખુનાં વ્યક્તિવર્ણનોની એ ખાસિયત છે કે એ મોટે ભાગે અલંકારોથી ભર્યા ભર્યા હોય છે. વર્ણનોમાં પણ ઉપમા અને દૃષ્ટાંતનો ઉપયોગ લેખકને વધુ પ્રિય છે. આ નવલકથામાં વ્યક્તિ-વર્ણનો એ વાતની પ્રતીતિ કરાવે છે. બાલુ સુંદરી, અકબરશાહ, દુર્ગાદાસ, જયસિંહ વગેરેના વર્ણનોમાં ઉપમાનો ઉપયોગ ધ્યાનકર્ષક રહ્યો છે. સુંદર રમણીય કલ્પનાની આવલિ રંચતો લેખક વર્ણનને હૃદ્ય રૂપ બક્ષે છે. દુર્ગાદાસના બાહ્ય વ્યક્તિત્વના નિરૂપણનો આ નમૂનો આપણને લેખકની અલંકાર દ્વારા વર્ણન કરવાની પદ્ધતિની પ્રતીતિ કરાવે છે. ‘પહોળા દાઢી મૂછના કાતરા, ઢાલ જેવી છાતી, લાંબા આજાન બાહુ, બરછીની અણી જેવાં નેત્ર ને દેવની પ્રતિમા જેવું દૈહસૌષ્ઠવ !’ (પૃ. ૧૨૮)

જયભિખ્ખુનું ગદ્ય એમની અન્ય નવલોની જેમ અહીં પણ કલ્પનાનો, અલંકારો અને ઉચિત શબ્દપ્રયોગોથી રુચિર રૂપ ધરી શક્યું છે.

મારવાડના ઊંટ જેવું પેટ (પૃ. ૪) - ઉપમા
નિર્મેધ વ્યોમમાં તારલાઓ ઠગારી આશા જેવા ચળકતા હતા. (પૃ. ૯, ઉપમા)
આલમગીર બાદશાહ ઇરાદામાં આરાવલીની ટેકરીઓ જેટલો અણનમ હતો. (પૃ. ૧૦૩) (દષ્ટાંત)
આલમગીર તો એ જ અવિચળ મુદ્રાએ ઊભો હતો, જાણે ખૈબર ઘાટીનો કોઈ ખડક ! (પૃ. ૧૪૭) (ઉત્પ્રેક્ષા)
મરુ દેશનો પ્રાણ એ દિવસે દેશત્યાગ કરીને ચાલ્યો ગયો, ખોળિયામાંથી જેમ જીવ ચાલ્યો જાય તેમ ! (દૃષ્ટાંત પૃ. ૨૨૭)

સતત, એકધારી પચીસ વર્ષ સુધી ચાલતી રહેલી લોકક્રાંતિને વાચા આપતી, રાજા વિના રાજ કેવું હોવું જોઈએ એના આદર્શનો કલાત્મક રીતે જવાબ આપતી ‘બૂરો દેવળ’ એ સુરાજ્ય-સંચાલનની કથા છે. જેમાં ઔરંગઝેબ જેવા બાદશાહની સામે એના જ પુત્ર અકબરે સ્થાપેલી