પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૨૭
 

સર્વધર્મપ્રેમી શહેનશાહીની તવારીખી પ્રયોગની સાવ ભૂલાયેલી કહાણીને વણીને લેખકે રાજકારણના ભલા બૂરા દેવળનું યથાર્થ ચિત્ર ઉપસાવી બૂરાઈની સામે લાલબત્તી ધરી છે.

ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી ચાહક જયભિખ્ખુ દ્વારા રચાતી ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવતી નવલકથાઓમાં જીવનમંગલ પોષક આલેખન - કોઈ એક કાળનું નહિ, પણ - સાર્વત્રિક અને સર્વાશ્લેષી ચિરંજીવી મૂલ્યોનું દર્શન કરાવે છે, - એ મુદ્દે આ અને તેઓની બીજી બધી જ ઐતિહાસિક નવલોમાં ઓછેવત્તે અંશે અભ્યાસપાત્રતા ધારણ કરે છે.

નરકેસરી :

ઈ. સ. પૂ.ની છઠ્ઠી અને પાંચમી સદીનો સમય ધર્મચક્રપરિવર્તનની દૃષ્ટિએ જગતના ઇતિહાસમાં અપૂર્વ હતો. એ સમયે પેલેસ્ટાઈનમાં યહુદી ધર્મ પુનરુદ્ધાર પામતો હતો. ચીનમાં લોઝ ને કોન્ફ્યુસિયસના વિચારો માનવજીવનમાં નવક્રાંતિનાં બીજ વાવતા હતા. અશો જરથુષ્ટ્રે ઇરાનને નવધર્મ સંદેશથી નવાજ્યું હતું. જ્યારે ભારતમાં ઊંચનીચના ભેદભાવથી મુક્ત અહિંસાધર્મનો સંદેશ ભગવાન મહાવીર અને બુદ્ધ દ્વારા ગુંજતો થયો હતો. એવા સમયની એક ઇતિહાસપ્રસિદ્ધ પ્રતિમા - મહારાજા શ્રેણિક બિંબિસારને કથાનાયકપદે સ્થાપતી પ્રસ્તુત નવલકથા ‘નરકેસરી’ જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં લોકપ્રિય નવલકથા છે.

આર્યાવર્તની વાડીના કલાવત્ત મયૂર સમાન મગધરાજના ચરિત્રે ઘણા ઇતિહાસકારોને આકર્ષ્યા છે. એમને કથાવિષય બનાવી અનેક કૃતિઓ રચાઈ છે. કલ્પનાના તાણાવાણા પણ એમની આસપાસ વીંટાયા છે. કેટલેક સ્થળે હકીકતો ફેરવાઈ ગઈ છે. કેટલેક સ્થળે નામોમાં પણ પરિવર્તન આવી ગયા છે. જૈન - બુદ્ધ મત પ્રમાણે સાલ-સંવતમાં પણ બે મત પ્રવર્તે છે. લેખક કહે છે તેમ ‘આ બધામાંથી તારવીને મગધરાજનું સળંગ સૂત્ર જીવન રજૂ કરવાનો આ નવલકથામાં તેમણે પ્રયાસ કર્યો છે.’ (પ્રસ્તાવના, પૃ. ૧૨). પણ નવલકથાનો અભ્યાસી વાચક કહી શકશે કે લેખક મુખ્યત્વે જૈન મતપરંપરાને વધુ અનુસર્યા છે.