પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પરંપરામાં મતભેદ પ્રવર્તે છે. બૌદ્ધ પરંપરા અનુસાર બિંબિસારને એના પુત્ર અજાતશત્રુએ રાજ્યપ્રાપ્તિના મોહમાં મારી નાખ્યો હતો. એના આ કાર્યમાં દેવદત્તે એને સાથ આપ્યો હતો. જ્યારે જૈન પરંપરા અજાતશત્રુને પિતૃઘાતક સિદ્ધ નથી કરતી. રાજ્યલાલસાથી પ્રેરાઈને અજાતશત્રુએ મગધરાજને બન્દી બનાવ્યા હતા. પણ પોતાના પિતાની દશાથી અજાતશત્રુનું દિલ દ્રવી ગયું. પિતાના બંધન એક લોઢાની ગદાથી તોડવા માટે એ આગળ આવ્યો. પણ બિંબિસાર સમજ્યો કે પુત્ર પોતાને મારવા માટે આવ્યો છે એટલે એણે ઝેર ખાઈ લીધું.

ઇતિહાસ અને જૈન તથા બૌદ્ધ પરંપરાના મતમતાંતરોના જાળામાં અટવાયેલ બિંબિસારનું જયભિખ્ખુએ પ્રસ્તુત નવલકથામાં જે વ્યક્તિત્વ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે તે રાજવી કરતાં માનવી તરીકેનું વધુ છે. એક એવો માનવ કે જેનું જીવન જેમ સદ્‌ગુણોથી ભર્યું છે એમ ભૂલોથી પમ ભર્યું છે. આ ભૂલોએ એને અનેક પ્રકારની વેદના આપી છે. છતાં આખરે પુરુષાર્થીનો વિજય થાય છે. મૃત્યુ એને જીતી શકતું નથી. દેહના ત્રાસ એને દમી શકતા નથી. બુદ્ધ અને મહાવીર જેવી મહાન વિભૂતિઓ દ્વારા મેળવેલા જીવનશિક્ષણને એ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવે છે. અંતકાળે મુનિજન જેવી સમતા બતાવતા આ મહાન રાજવીનું જીવન અનેકોને પ્રેરણા પૂરી પાડી જીવનઘડતરનું બળ આપે છે.

રાજા પ્રસેનજિતના પુત્ર એવા મહારાજા શ્રેણિક બિંબિસાર એ એક એવી વિભૂતિ તરીકે પ્રસ્તુત નવલકથામાં ઊપસે છે જેને આર્યાવર્તની મહાન ધર્મત્રિવેણી-વૈદિક, બૌદ્ધ અને જૈન-માં સ્નાન કરવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું. છે. શ્રેષ્ઠીવર્ય, શાલિભદ્ર, ત્યાગવીર મેતાર્ય અને ધર્મવીર ધશાશેઠ જેવા સિદ્ધિવંત નગરજનોના પ્રજાવત્સલ રાજવી બનવાનો દિવ્ય યોગ મળ્યો છે. અહિંસા ધર્મના પ્રવર્તક ભગવાન બુદ્ધ અને મહાવીરના અનુયાયી થવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું છે.

ઇન્દ્રધનુના વૈવિધ્યવંતા રંગો જેવું સાંસારિક જીવન જીવનાર આ રાજવીને જીવનના આરંભકાળે પિતા તરફથી ઉપેક્ષિત બનીને દેશવિદેશનું પરિભ્રમણ કરવું પડે છે. ગોપાલકુમારના વેશે પરદેશમાં ભટકતી સુનંદા