પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૩૧
 

જેવી સૌંદર્ય અને શીલની દેવી સહચરી તરીકે પ્રાપ્ત થાય છે. વૈશાલીની સૌંદર્યનિધિ સમી અલબેલી અંબપાલીનો પ્રેમ સાંપડે છે તો જીવનની ઘોરનિશાના ખારાપાટમાં આશાની અનુપમ વીરડી સમી ચેલ્લણા મળે છે. સંસારનાં સૌંદર્ય અને શીલે જાણે કે સ્વયંવર રચીને મગધના નાથને વરમાળ આરોપી છે.

પણ આવા નરકેસરી સમાન પ્રતાપી રાજવીએ જીવનમાં દુઃખો પણ ઓછાં નથી જોયાં. જેટલું એનું સદ્‌ભાગ્ય મોટું છે એટલું જ દુર્ભાગ્ય પણ એના સાથમાં રહ્યું છે. કર્મના બળે નરકેસરી એવા આ રાજવીને જીવનની આથમતી સંધ્યાએ નરકેશ્વરી બનવું પડ્યું. નરકનાં દુઃખો વેઠવાં પડ્યાં. જીવનની જલતી ભઠ્ઠીમાં {{SIC|શએકાવું|શેકાવું} પડ્યું. એનું મોત કમોતે થયું. અલબત્ત, છેવટે પશ્ચાત્તાપ અને ત્યાગની શુચિતાથી ઉચ્ચ પદે એ પહોંચ્યો છે ખરો. જીવનના અંતભાગે મારવિજય અને દિગ્વિજય એણે સાધ્યા છે ખરા અને એટલે જ આર્યાવર્તની વાડીના મહાકલાવન્ત એવા આ મયૂરના જીવનનું આ નવલકથામાં નિરૂપણ કરતી વખતે લેખક એના ચરિત્રથી ઠીક ઠીક અંશે પ્રભાવિત રહ્યા છે.

પ્રસ્તુત નવલકથામાં જયભિખ્ખુએ મગધરાજના જીવનને ત્રણ તબક્કામાં વહેંચીને અંતે કથારૂપ આપ્યું છે. પહેલો તબક્કો નરકેસરી એવા આ રાજવીના યૌવનકાળના પરિભ્રમણનો નિરૂપે છે, જેમાં એમણે ગોપાલકુમારના નામે સુનંદાની પ્રાપ્તિ કરી સ્વબળે પોતાનું નામ સિદ્ધ કર્યું. બીજો તબક્કો રાજવી તરીકેની એની સિદ્ધિને નિરૂપે છે જેમાં પોતાની સ્વતંત્ર રાજધાની રાજગૃહીની સ્થાપના સાથે વૈશાલીની રાજકન્યા ચેલ્લણા તથા નારીરત્ન અંબપાલીના પ્રેમની પ્રાપ્તિના કથાનકો નિરૂપાયાં છે. ત્રીજો ખંડ જીવનશુદ્ધિ તરફ ધસતા રાજવીની પ્રૌઢાવસ્થાના ધર્મસંક્રાન્ત જીવનને નિરૂપે છે. જીવનની આથમતી સંધ્યાએ પુત્ર દ્વારા જેલપ્રાપ્તિ શ્રેણિક બિંબિસારને જીવનનું સાચું તત્ત્વજ્ઞાન સમજાવે છે.

આ નવલનું વસ્તુસંકલન ભાવકોને કથાના રસમાં ખેંચી રાખે તેવું કુતૂહલ્લોદ્દીપક છે. અન્ય કેટલીક કૃતિઓની જેમ અહીં પણ આડકથાઓ મુખ્ય કથાને ક્યાંક પુષ્ટ કરતી, તો ક્યાંક કથાપ્રવાહને આડેમાર્ગે લઈ જતી,