પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

ક્યાંક બિનજરૂરી જ હોય છતાં ઉપદેશને દૃઢાવવાના હેતુથી લખાયેલી - એવાં અનેક રૂપે મળે છે. કેટલાંક કથાનકો તો એવાં છે જેના ઉપરથી અન્યત્ર લેખકના હાથે આખી નવલકથા સર્જાઈ છે એનું વાંચન અહીં કે ત્યાં ભાવકના ચિત્તમાં પુનરાવૃત્તિદોષ ખડો કરે. જેમ કે - ભગવાન ઋષભદેવનું કથાનક (પૃ. ૧૩૬), મેતરાજનું કથાનક (પૃ. ૩૦૪), કેટલીક આડકથાઓ સ્વતંત્ર વાર્તા જેવી જ લગભગ બની ગઈ છે. જેમકે સુદર્શન શેઠનું કથાનક (પૃ. ૨૮૭), ધન્ય અણગારનું કથાનક (પૃ. ૩૦૦), શાલિભદ્રનું કથાનક (પૃ. ૧૭૪), કથામાં ઘણે સ્થળે ઉપદેશ જ મુખ્ય બની જાય છે - ધર્મકથા (પૃ. ૧૩૩), મધ્યમ પ્રતિપદા (પૃ. ૧૬૭), જગત ગુરુ ક્ષત્રિયો (પૃ. ૨૬૯), જ્ઞાતપુત્ર મહાવીર (પૃ. ૨૭૫) જેવાં કેટલાક પ્રકરણ માત્ર ઉપદેશયુક્ત જ છે. કથામાંથી કદાચ એમને દૂર કરવામાં આવે તો પણ કથાના અંકોડા ક્યાંય તૂટતા નથી. કેટલેક સ્થળે લેખક ઇતિહાસ-ભૂગોળનું પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા જ કથાને લંબાવતા હોય એવો પણ અનુભવ થાય છે. કથાના આરંભે વેણાતટ નગરનું વર્ણન કરે છે. એમાં (પૃ. ૧૯-૨૦) કે પછી ‘રાજગૃહી’ પ્રકરણમાં (પૃ. ૧૨૨) આ વાતની પ્રતીતિ આપણને થાય છે. ઇતિહાસની વિગતો પણ ક્યાંક લેખકને હાથે વિકૃત બની છે. જેમકે પ્રસેનજિતને અહીં લેખકે બિંબિસારના પિતા તરીકે વર્ણવ્યા છે જે ઇતિહા,દૃષ્ટિએ બિંબિસારના સાળા થાય. વૈશાલીના રાજા ચેતકની પુત્રીનું નામ ઇતિહાસમાં છલના બતાવાયું છે. અહીં ચેલ્લણા તરીકે તે વર્ણવાઈ છે. અલબત્ત આવા નિરૂપણ પાછળ લેખકની સામે મગધરાજની જૈન પરંપરામાં નિરૂપાયેલી કથા હોય એવું બને. કથામાં આવતી આડકથાઓ કે ઉપદેશના સંદર્ભમાં એવું કહી શકાય કે આ લેખકનું લક્ષ્યબિંદુ જ સાહિત્ય દ્વારા સમાજઘડતરનું છે. જીવનધર્મી લેખકે પોતાનું સમગ્ર સાહિત્ય, જીવનોપયોગી બને તે હેતુસર જ સર્જ્યું છે. ‘ભરતદેવ’ની પ્રસ્તાવનામાં આ વાતનો તેઓએ ખુલ્લા દિલે સ્વીકાર કરતા કહ્યું છે કે ‘મારા સાહિત્યનું નિર્માણ ધ્યેય મોટે ભાગે આજના ‘તર્ક પ્રધાન અને શ્રદ્ધા અલ્પ’ સમાજને માટે અને નવી ઊગતી તરુણ પેઢીને ગમે અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેય થવાનું ને અંતે શ્રેય થવાનું સાચા સાહિત્યનું ધ્યેય હોવું જોઈએ.’ (‘ચક્રવર્તી ભરતદેવ’, પૃ. ૫). પ્રસ્તુત નવલકથાને લેખકના આ દૃષ્ટિબિંદુથી તપાસીએ તો એનું વાચન