પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

બજાવી અનેરું સંગીત છેડી રહ્યો હતો. (પૃ. ૩, સજીવારોપણ), માના પારણા જેવો શાંત સાગર (પૃ. ૮), ધોળા ધોળા ડોલરફૂલ જેવા શંખ (પૃ. ૧૧), વાતા પવનની જેમ એની સ્થિતિ નિરાધાર હતી. (દૃષ્ટાંત, પૃ. ૨૨), ડૉલરના છોડ જેવી સુનંદા (પૃ. ૫૫), આભના દ્વાર પર સંધ્યા પોતાના કેસરિયા પડદા બાંધી રહી છે. (પૃ. ૫૬, સજીવારોપણ), કાળી નાગણોના રાફડા સમા અંતઃપુરો (પૃ. ૧૧૨), મૌક્તિક જેવાં આંસુ (પૃ. ૧૫૭), વૃક્ષ વૃદ્ધ આદમીના દેહની જેમ ડોલવા લાગ્યું (પૃ. ૨૨૧).

ટૂંકમાં મારવિજય અને દિગ્વિજય બંનેમાં કાલાન્ત વિજયી નીવડનાર મગધરાજ શ્રેણિક બિંબિસારની કથાને મુખ્યરૂપે આલેખતી પ્રસ્તુત નવલકથા કલાદૃષ્ટિએ જયભિખ્ખુની અન્ય નવલો જેટલી ઉત્કૃષ્ટ નીવડતી નથી, છતાં લેખકની તે લોકપ્રિય કૃતિ તો બની જ છે. આ નવલનો કથાતંતુ ‘શત્રુ કે અજાતશત્રુ’ માં લંબાય છે.

દાસી જનમ જનમની સાથી જનમ જનમનાં :

‘દાસી જનમ જનમની સાથી જનમ જનમનાં’ શ્રી જયભિખ્ખુની સામાજિક નવલકથા છે. શોષિત નારીજીવનના સ્વાતંત્ર્ય અને વિકાસના પ્રશ્નોને ચર્ચતી પ્રસ્તુત નવલકથામાં આધુનિક અને પુરાણી, શિક્ષિત-અશિક્ષિત, પરિણીત-અપરિણીત, વિધવા, ત્યક્તા, કમાતી અને ન કમાતી સર્વ પ્રકારની સ્ત્રીઓનાં જીવનબિંદુને કેન્દ્રમાં રાખીને મુક્ત મને છણાવટ કરવામાં આવી છે. સ્ત્રીનો સાચો વિકાસ એનું ખુદનું ખમીર જાગે ત્યારે જ શક્ય બને એ વાત અહીં લેખક દ્વારા જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી રજૂ થઈ છે. જયભિખ્ખુનો સ્ત્રી-સન્માન અંગેનો પ્રબળ અભિનિવેશ પ્રગટ કરતી આ નવલકથા એમાં રજૂ થયેલા નારીજીવન વિષેના કેટલાક ચિંતનસભર વિચારોની દૃષ્ટિએ નોંધપાત્ર બની રહે છે.

કન્યાવિક્રય, દેહલગ્નો, સ્ત્રીનું ગૃહજીવનમાં ગુલામ તરીકેનું સ્થાન વગેરે પ્રશ્નોની છણાવટ કરતા આ નવલકથાનું કેન્દ્રબિંદુ છે નિર્મળા. ગરીબ પણ સ્વમાની માતા-પિતાની પુત્રી નિર્મળા નાની ઉંમરે જ મા-બાપની શીળી છાયા ગુમાવી માસી-માસાના પનારે પડી છે. માસીને ત્યાં એ સૌની ગુલામી કરે છે, ઘરનો બધો જ ભાર માથે વહે છે, સૌના મ્હેણાં સહે છે છતાં