પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

આપણું અલગ અસ્તિત્વ વિશ્વસાગરમાં સમાવું જ જોઈએ ને આપણી ધનસંપત્તિ વિશ્વકોષમાં ભળી જવી જોઈએ, નહિ તો જગતમાં અનર્થ જન્મે,’ (પૃ. ૧૮૧).

લેખકના આ વિચારો જો સમાજમાં અમલમાં મુકાય તો ? સમાજના ઘણા બધા વેરઝેરનું મૂળ સંપત્તિની વારસાવ્યવસ્થામાં નથી શું ? વ્યક્તિના ઉપાર્જનને દેશની સંપત્તિમાં ભેળવી દેશના વિકાસના પંથે જો એનો ઉપયોગ થાય તો છેવટે કુટુંબ અને વારસોનો પણ એમાંથી વિકાસ થવાનો જ છે એ સત્ય આપણને સમજાય તો ?

નારીગરિમાના ગાયક-સર્જકનો રોષ પુરુષો સામે નહીં, એમની પશુતા સામે છે. તેથી નિર્મળા કહે છે : ‘અમને પુરુષો તરફ રોષ નથી. અમારા એ મિત્રો છે. એમની પશુતા સામે અમારો રોષ છે. એને અમે પૂરી કરીને જ જંપીશું.’ (પૃ. ૨૧૫). નિર્મળાનું આ વિધાન એનાં કર્મો દ્વારા એ સાચું કરીને બતાવે છે. ૪૫ વર્ષના લાલચંદ સાથે જ્યારે એનું લગ્ન થયું ત્યારે લાલચંદમાં માત્ર કામનાવૃત્તિ જ કેન્દ્રસ્થાને હતી. નિર્મળાના રૂપસૌંદર્યનો તે ભોગી ભ્રમર હતો. નિર્મળા લાલચંદની આ કામવાસનાને વશ થતી નથી. અર્થહીન અગ્નિ અને અર્થલોભી પુરોહિત દ્વારા ગોઠવાયેલા સંબંધોને લગ્નની પવિત્ર મહોર મારતી નથી. આમ છતાં આજની આધુનિક નારીની જેમ છૂટાછેડા દ્વારા અથવા ઓન્ય કોઈ રીતે પોતાને અણમાનતા પતિને એ ત્યજતી પણ નથી. એ તો એની સાથે જ રહે છે. એના શરીરની ભોગી બનીને નહીં, એના ઉદાત્ત આત્માની ખોજક બનીને. એમનું જીવન વિષયાંધતાની આંધળી ગલીમાં ભટકવાને બદલે વહાલપનું વિશ્રામસ્થાન બને છે. માનવતાનો, આધ્યાત્મિકતાનો શંખનાદ એમાં ગુંજે છે. વસિષ્ઠ અને અરુંધતીની જેમ એકબીજામાં ગૂંથાયેલ આ દંપતી સાચા અર્થમાં ‘સાથી જનમ જનમનાં’ બને છે. એટલું જ નહીં પણ લાલચંદ પોતાની સંપત્તિ સમાજ માટે વાપરી સાચો વિશ્વમાનવ પણ બને છે.

જયભિખ્ખુની અન્ય ઐતિહાસિક નવલોની જેમ આ નવલનું વસ્તુસંકલન સુસંબદ્ધ નથી. સમાજમાં સ્ત્રીનાં સ્થાન વિષેની પ્રકરણે પ્રકરણે થતી ચર્ચાઓ વાર્તાને કથળાવી પ્રચારાત્મક પણ બનાવે છે. આડકથાઓનો ઉપયોગ વાર્તાના ઘાટને સુરેખ રહેવા દેતો નથી. પાત્રો પણ કરવા કરતા કહે