પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૪૧
 

છે વધુ. નવલકથાના શિર્ષકના પ્રથમાર્ધને સિદ્ધ કરવા નવલકથાએ જેટલો ભાગ રોક્યો છે એટલો ભાગ શીર્ષકના ઉત્તરાર્ધને સિદ્ધ કરવા માટે લેખકને જાણે કે મળ્યો નથી. પહેલાં ખૂબ જ પથારો કરીને બેઠેલા લેખકને પછી પોતાની બાજી ઝડપથી સમેટી દેવામાં ઔચિત્ય લાગ્યું હોય તેમ અંત ખૂબ જ ઝડપથી આવે છે. નવલકથાની નાયિકા નિર્મળાના મુખમાં મુકાયેલા કેટલાક ક્રાંતિવાદી વિચારો પણ કદાચ લેખકે એને અશિક્ષિત નારી તરીકે નવલકથાના આરંભમાં બતાવી હોવાને કારણે કોઈને પ્રતીતિકર ન જણાય, પણ એ એટલું જ સાચું છે કે નિર્મળાએ શિક્ષણસંસ્થાઓમાં શિક્ષણ ન લીધું હોવા છતાં અનુભવની શાળામાં એ જીવનના આરંભકાળથી કસાઈ છે. એ પોતે કહે છે, ‘હું નવા જમાનાનું માનવી નથી, શાળા-કૉલેજ મેં જોયાં નથી, અનુભવોથી હું ઘડાયેલી છું. જગતને જેવું મેં જોયું – એવાં મે મારા નિર્ણયો લીધેલા છે.’ (પૃ. ૧૯૪). અને એ દૃષ્ટિએ એના પાત્રવિકાસમાં અનુચિતતા ભાગ્યે જ જણાય. પોતાના પ્રભાવશાળી અને અન્યને પોતાના પ્રતાપથી ડારતા વ્યક્તિત્વની બાબતમાં મુનશીની મંજરી કે શશીકલાની યાદ તાજી કરાવતી આ નાયિકા અમુક અંશે મુનશીના વિરોધથી આગળ જાય છે. મુનશીની નાયિકાઓ પોતાના પ્રભાવી વ્યક્તિત્ત્વથી પહેલાં પુરુષ ઉપર સરસાઈ મેળવે છે અને અંતે સ્વવ્યક્તિત્વને ગુમાવી પુરુષચરણે સર્વ સમર્પિત કરે છે, જ્યારે જયભિખ્ખુની આ નાયિકા છેવટ સુધી પોતાના પ્રભાવથી પુરુષ સમોવડી બની રહે છે.

શ્રી કુંદનિકા કાપડિયાએ ‘સાત પગલાં આકાશમાં’ નવલકથામાં નારીજીવનના વિવિધ પ્રશ્નોને જે કલાત્મકતાથી છણ્યાં છે, એના બીજાંકુર જયભિખ્ખુની આ નવલકથામાં મળે છે. અલબત્ત, અહીં કાચું સોનું છે. કલાકારની તેજાબી પ્રકાશધારામાં એ ભૂજાયું નથી એને જ કારણે વિચારષ્ટિએ ઉત્તમ કક્ષાની આ કૃતિ લેખકની કલાદૃષ્ટિની મધ્યમ બરની કૃતિ બની રહે છે.

સંસારસેતુ મહર્ષિ મેતારજ :

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી નવલકથાઓના સર્જક શ્રી જયભિખ્ખુની ‘સંસારસેતુ’ નવલકથા ‘મહર્ષિ મેતારજ’નું નવું નામકરણ છે.