પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

આ નવલકથામાં આર્ય મેતારજ અને વીર રોહિણેય એમ બંનેના જીવનપ્રસંગો વિસ્તૃત નિરૂપાયા હોઈ નામનું એકાંગીપણું દૂર કરીને લેખકે એને નવું નામ આપ્યું છે. સમાજમાં પ્રવર્તતા ઊંચ-નીચના જન્મજાત ભેદભાવોને હટાવી કર્મથી મહાન બનવાનો આદર્શ આપતી પ્રસ્તુત નવલકથાનું કથાવસ્તુ જેની ઉપર આધારિત છે એ મહર્ષિ મેતારજના ચરિત્ર વિષે ઇતિહાસમાં ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. મહર્ષિ મેતારાજ ભગવાન ઋષભદેવ કે કામવિજેતા સ્થૂલિભદ્રની જેમ ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ નથી. લેખક નિવેદનમાં જણાવે છે તેમ ‘ઇતિહાસનો એમનો બહુ ઓછો - નગણ્ય ટેકો છે ને જૈન સમાજમાં ય સમતાગુણ’ના દૃષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી.’ એકાદ-બે અધૂરી સજ્ઝાયો કે તૂટક-છૂટક માહિતી સિવાય લેખકને મેતારજ વિષે બહુ માહિતી મળઈ નથી છતાં જે કંઈ માહિતી એમને મળી એનું આકર્ષણ સર્જક ચિત્તને એવું થયું કે નવલકથા સર્જ્યા વિના તેઓ રહી શક્યા નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને પોતાના જીવન દરમિયાન ચરિતાર્થ કરી જાણનાર આ અત્યંજ મુનિના નાનકડા પણ રંગબેરંગી તથા તેજસ્વી જીવને પ્રસ્તુત નવલકથામાં શબ્દરૂપ ધર્યું છે.

આજથી અઢી હજાર વર્ષ પૂર્વેના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથાની કથાસૃષ્ટિ બે ધારામાં એકસાથે એકબીજામાં ભળીને વહે છે. એક ધારા છે રાજગૃહીના મેત યુગલ માતંગ-વિરૂપાના પુત્ર મેતારજની. જન્મ શૂદ્ર-ચાંડાલ એવા આ યુગલના વિચાર, વાણી અને વર્તનમાં એક અનોખી સંસ્કારિતા વિલસે છે. રાજગૃહીના રાજબગીચાનો રખેવાળ કલાવંત મયૂર માતંગ મંત્રવેત્તા હતો. ભાગ્યયોગે એને વિરૂપા જેવી શીલવતી અને ગુણવતી પત્ની મળી હતી. સ્વભાવે ચિંતનશીલ વિરૂપાએ રાજગૃહીમાં પ્રસરતા શ્રમણ ધર્મને પોતાની રીતે ઝીલ્યો હતો. એ માનતી હતી કે સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ અને સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. રાજગૃહીના ધનાઢ્ય શ્રેષ્ઠી ધનદત્તની યથાનામગુણ પત્ની દેવશ્રી સાથે એને સખીપણાં થયાં હતાં. પાંચ પાંચ વાર સંતાન મેળવીને ગુમાવી ચૂકેલી દેવશ્રીની આ છઠ્ઠી વારની અગ્નિપરીક્ષામાં જો એ અફળ નીવડે તો ધનદત્ત શેઠ નવું લગ્ન કરશે એ હકીકત જાણી સખીના દુઃખે દુઃખી વિરૂપાએ