પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૪૭
 

સખીપદના ગૌરવને ઉજાળવા પોતાને થનાર પ્રથમ સંતાન સખીને સોંપી દેવાનું વચન આપ્યું. યથાસમયે દેવશ્રીને ત્યાં પુત્રી અને વિરૂપાને પુત્ર જન્મતાં સંતાનની અદલાબદલી બહું જ છૂપી રીતે થઈ ગઈ.

પુત્રઝંખના માટે ઉત્સુક માતંગ પુત્રી જન્મથી નિરાશ બન્યો. બીજી બાજુ ધનદત્ત શેઠને ત્યાં પુત્રજન્મનો અનેરો ઉત્સવ ઊજવાયો. વિરૂપાની પુત્રી છ જ દિવસમાં મૃત્યુ પામી. દેવશ્રીનો પુત્ર પૂનમના ચાંદની જેમ વધતો ગયો. દેવશ્રી સખીના ઋણને વીસરી નહોતી એથી જ નામકરણ સમયે અનેકોની મના છતાં એ વિરૂપાને બોલાવે છે અને એના જ હાથે પુત્રનું નામકરણ કરાવે છે.

અન્યના સુખ કાજે સ્વસંતાનને સોંપ્યા પછી વિરૂપાની વેદના વધી જાય છે. પુત્રદર્શન માટે એનું હૃદય તરફડી ઊઠે છે. જ્યારે દેવશ્રીને ત્યાંથી એને પુત્રના નામકરણ માટે નોંતરું મળે છે અને એ પુત્રનું ‘મેતાર્ય’ એવું નામ પાડી અને પોતાના હાથમાં હિંચોળે છે એ સમયની માતૃવાત્સલ્યથી યુક્ત વિરૂપાની લેખકના કૅમેરામાં ઝડપાયેલી આ તસ્વીર વિસરાય એવી છે શું ? વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી, ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ ઉપર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુક મૃદંગ પર કોઈ સંગીતનિપુણ કિન્નરીએ થાપ મારી ! એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્ય હતો, પણ એણે વિરૂપાના દિલમાં એક પ્રચંડ ઘોષ મચાવી મૂક્યો.’ (પૃ. ૩૯).

યુવાન થયેલા પુત્રની શૂરવીરતા, રૂપશાલીનતા, બુદ્ધિચાતુર્ય સર્વ કાંઈ વિરૂપાને મનોમન ઘેલી બનાવે છે. રોહિણેય સામે લડતાં ઘવાયેલા પુત્રની સારવાર કરતાં જે રહસ્ય એના હોઠો પર ક્યારે ય લાવવાનું નથી એ રહસ્ય સ્ફૂટ થઈ જાય છે. ખરે ટાણે આવેલી દાસી નંદા બાજીને સાચવી લે છે પણ પુત્રના લગ્ન ટાણે તો એક દિવસ હૃદયનું આ રહસ્ય મુખ દ્વારા પુત્ર સમક્ષ પોતે એની સાચી મા છે એવું વિરૂપાએ કહી તો દીધું પણ એ જ ક્ષણે આ રહસ્યસ્ફોટન અનર્થકારી બનશે એનો ખ્યાલ આવતાં જ પુત્ર પાસે એ રહસ્યને રહસ્ય જ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. વિરૂપાના પ્રેમમાં નબળાઈ નહોતી, કીર્તિલોભ કે અર્થલોભ નહોતો. એણે તો પોતાની વાડી ઉજ્જડ