પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

બનાવી ધનદત્ત-દેવશ્રીના બાગમાં અમૂલ્ય છોડ વાવ્યો હતો. એનું આ શૌર્ય ઓછું નહોતું. શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂંખાર જંગ ખેલતા યોદ્ધા કરતાં પોતાના વાત્સલ્યથી ભર્યા હૃદય સામેનો એનો આ જંગ અનેક ગણો મોટો હતો. લેખકે વિરૂપાના માતૃહૃદયને નવલકથામાં મન મૂકીને મ્હોરાવ્યું છે. માનવ માત્રના ઐક્યનો અમૂલો પાઠ આપતી વિરૂપાનું પ્રેમની વેદી ઉપર જે આત્મસમર્પણ લેખકે નિરૂપ્યું છે તે ખરેખર અનન્ય છે. પ્રતિપ્રેમની દિવાની આ વિરૂપા એક વખત માનવસહજ આવેશમાં આવીને ‘મેતાર્ય પોતાનો પુત્ર છે’ એવું રહસ્યસ્ફોટન માતંગ સમક્ષ કરે છે ત્યારે હરખઘેલો માતંગ મેતાર્યની વરયાત્રાના પ્રસંગે અણછાજતી રીતે રહસ્યસ્ફોટન કરી દે છે. એને કારણે અનેક અનર્થો સર્જાય છે. વિરૂપા અને દેવશ્રી મૃત્યુ પામે છે. લગ્નપ્રસંગ અધૂરો રહે છે. છેવટે મહામંત્રી અભયની દરમિયાનગીરીથી મેતાર્યનાં લગ્ન થાય છે.

ધનદત્તના આંગણે પોષાયેલા મેતાર્યનું પાત્રચિત્ર પણ જયભિખ્ખુના હાઠે ઠીક ઠીક વિકસ્યું છે. ભણવામાં તેજસ્વી એવા આ નવયુવાન મહામંત્રી અભયની મિત્રાચારી ગુણોને કારણે જ પ્રાપ્ત કરે છે. જન્મથી શૂદ્ર એવા લોકો તરફ એને કોઈ તિરસ્કાર નથી. જ્યારે પોતે પણ મેત જ્ઞાતિનો છે એવું વિરૂપા પાસેથી જાણે છે ત્યારે પણ એને આઘાત લાગતો નથી. ઊલટું પછીની જિંદગીમાં એ મેત લોકોની જીવનસુધારણા માટે સતત મથે છે. એની પાસે સાચી નરપરીક્ષાની દૃષ્ટિ છે. એટલે જ રોહિણેયને બદલે એનો વફાદાર સાથી કેપૂર પકડાય છે. એને ભયાનક શિક્ષા કરવાનું મહામંત્રી વિચારે છે ત્યારે પણ તે તો આમ જ કહે છે, ‘મંત્રીરાજ ! આવા નરને તો મગધના સેનાપતિનો હોદ્દો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી !’ (પૃ. ૧પ૯)

ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થોને પોતાના જીવનમાં સમતાથી જીતનાર મેતાર્ય સંસારત્યાગની વૃત્તિ અનેકવાર અનુભવે છે. વૈરાગ્યભાવ એના મનમાં ઊગી ઊગીને આથમે છે. અને એક વખત કમળકેદમાં છુપાયેલા ભ્રમરની કેદ ખૂલી જાય છે. સંસાર ત્યાગીને ‘મહર્ષિ મેતારજ’ બનીને નીકળી પડેલ આ શૂદ્ર મુનિ છેવટે જ્ઞાન પ્રાપ્ત કરે છે.

કથાના આ દોરની સાથે જ વણાઈને ચાલે છે રાજગૃહીના મહાચોર