પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


પ્રકરણ ૧

જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન

સાહિત્યનું સર્જન વિદ્ધદ્‌ભોગ્ય અને લોકભોગ્ય એમ બે રૂપે પ્રાપ્ત થાય છે. સાહિત્યના ઊંડા અધ્યયનના પરિપાકરૂપે પ્રાપ્ત થતું કેટલુંક સર્જન વિદ્વદ્‌ભોગ્ય બને છે જ્યારે સામાન્ય જનરૂચિને આકર્ષતું સાહિત્ય લોકભોગ્ય રૂપ ધારણ કરે છે. લોકભોગ્ય સાહિત્યમાં પણ કેટલુંક નિમ્નકોટિનું અને લોકોના અપરસને ઉત્તેજે એવું હોય છે. જ્યારે કેટલુંક સમાજનાં રસરુચિને સંસ્કારી એનું ઊર્ધ્વીકરણ સાધે છે. લોકભોગ્ય સાહિત્યમાં આવા સંસ્કારપ્રેરક સાહિત્યને સર્જવાનું કામ ઠીક ઠીક અઘરું છે, કારણ કે એમાં એના સર્જકે એકસાથે બેવડી કામગીરી નિભાવવાની હોય છે. જનસામાન્યની રુચિ સંતોષવાની અને સાથે સાથે અભિરુચિનું ઊર્ધ્વીકરણ સધાય એવું આલેખન પણ કરવાનું. અને સાથે સાથે અભિરુચિનું ઊર્ધ્વીકરણ સધાય એવું આલેખન પણ કરવાનું. આવા સાહિત્યમાં સાહિત્યિક ગુણવત્તા જળવાય તેમજ જનસમાજને જીવનનું સત્ત્વશીલ પાથેય પણ મળી રહે - આ બંને લક્ષ્ય તરફ સર્જકે એકસાથે ગતિ કરવાની હોય છે. વળી સંસ્કારપ્રેરક એવું આ સાહિત્ય ઉપદેશાત્મક ન બની જાય એ પણ એના સર્જકે સતત ધ્યાનમાં રાખવાનું હોય છે. કારણ કે શુષ્ક ઉપદેશ તો સહુ કોઈ આપી શકે પણ જીવનનાં મૂલગત મૂલ્યોને, પાયાના સિદ્ધાંતો અને નરવી નિષ્ઠાના સંદેશને રસિક, સરળ અને સચોટ શૈલીમાં સાહિત્યગુણનો પુટ આપીને રજૂ કરવાનું કામ મુશ્કેલ હોય છે. સમયદૃષ્ટિએ ગાંધીયુગનું ફરજંદ એવા શ્રી જયભિખ્ખુ આવા સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક સાહિત્યના સર્જક છે.

સમર્થ સર્જક દીર્ઘાયુષ્ય ભોગવે અને લેખન સાતત્ય જાળવે, તો સર્જનાત્મક પરંપરાની બે પેઢીઓની સંયોગભૂમિકાનાં પરિણામો અભ્યાસીને તુલનાત્મક અધ્યયનની અનેક શક્યતાઓ ચીંધે છે. એ ઉપરાંત દીર્ઘકાલીન સર્જનસાતત્યથી લેખકના પોતાના સર્જનમાં પણ સાંસ્કૃતિક વૈવિધ્યની શક્યતા