પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૪૭
 

આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં લાગ્યાં છે. એમના મતે ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે હશે. નવલકથાની આ પાત્રસૃષ્ટિની કેટલીક મર્યાદાઓ પણ છે. કેટલેક સ્થળે પાત્રો એકાંગી ઊર્મિઓનાં કે તત્ત્વોનાં પ્રાણવંત છતાં આદર્શીકૃત એકવિધતાભરેલા બીબાં જેવાં કૃત્રિમ બની ગયાં છે અને એને લીધે કથામાં જે તરલતા તેમ જ માનવચિત્તની વિવિધ રંગછાયાઓ ઊપસવી જોઈએ એ ઊપસી શકી નથી. મહાઅમાત્ય, દેવદત્તા, મહારાજ બિંબિસાર, મહારાણી ચેલ્લણા જેવાં પાત્રોના રંગો મોહક છે છતાં તેમાં સજીવન વિકાસ જેવું નથી. અમુક ગુણના એ જાણે કે ચોક્કસ બીબાં બની ગયાં હોય તેવું નિરૂપણ લેખક-હાથે થયું છે.

વાર્તાનું વસ્તુ ઓછું હોવાથી એનું ગૂંફન જોઈને એવી સુબદ્ધ રીતે થયું નથી. વસ્તુગૂંથણીમાં એકસરખી ઘનતા, વણાટની ઘટ્ટતા જોવા મળતી નથી. આમ છતાં રોહિણેયનાં પરાક્રમો ઉપરાંત, વિરૂપાના અપત્ય પ્રેમમાં તેમ જ મેતારજની વરયાત્રાના જ પ્રસંગે કથા રસદૃષ્ટિએ ઊંચી તીવ્રતા સાધે છે. કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગો જેવા કે ‘પરભૃતિકા’, ‘કીર્તિ અને કાંચન’, ‘જગતનું ઘેલું પ્રાણી મા’, ‘જ્ઞાતપુત્રને ચરણે’, ‘પ્રેમની વેદી પર’, ‘સ્વર્ગલોકમાં’ જોવા મળએ છે. આ પ્રસંગોને નિરૂપતા લેખક ઉત્તમ ઊર્મિકવિતાની છટાઓ વ્યક્ત કરી શક્યા છે અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.

લેખકની શૈલી ‘કામવિજેતા’માં કે ‘ભગવાન ઋષભદેવ’, ‘દિલ્હીશ્વર’ વગેરેમાં જેવી સુચારુ કે અસરકારક બની છે એટલી ઊંચી કોટિ અહીં સર થતી નથી. ઘણે સ્થળે સંસ્કૃત શબ્દોના ભારણથી મેદયુક્ત નિર્બળતાવાળી પણ બની ગઈ છે. વ્યક્તિ, સ્થળ કે પ્રકૃતિના સુરેખ, ચિત્તાકર્ષક અને રમણીય વર્ણનો અહીં સાવ જ મળતાં નથી એવું નથી પણ અલંકારોની એક આવલિ રચાતી આવતી હોય, કલ્પનાનો એક રમણીય લોક ખાડો થતો હોય એવું અહીં ઓછું જ છે. આમ છતાં –