પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙ્‌મય
 


પેદા થાય છે. શ્રી ક. મા. મુનશી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય અને ચુનીલાલ વ. શાહના સમકાલીન અને પોતાની સુદીર્ઘ પ્રવૃત્તિથી જૂની અને નવી પેઢીને સાધનાર શ્રી જયભિખ્ખુની બાબતમાં ઉપર્યુક્ત હકીકત સાર્થ નીવડે છે. એમના યૌવનકાળ દરમ્યાન ગુજરાતની ધરતી ઉપર અને એમાંય તે અમદાવાદને આંગણે તો ગાંધીજી દ્વારા અસહકાર-આંદોલન શરૂ થઈ ચૂક્યું હતું. ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ મેળવીને જ જંપીશું’નો સૂર વાતાવરણમાં ગૂંજતો હતો. અનેક નવયુવાનો ગાંધીજીની હરિજનોદ્ધારની પ્રવૃત્તિથી આકર્ષાઈ એમની સાથે જોડાયા હતા. સ્વાતંત્ર્ય માટે મરી ફીટવાનો કેસૂડો રંગ હવામાં લહેરાતો હતો.

જેને માટે અનેકોએ પોતાનાં લીલુડાં માથાં વધેર્યા હતાં, શહાદત વહોરી હતી તે સ્વરાજ્યની પ્રાપ્તિ ઈ. સ. ૧૯૪૭માં થઈ. પણ સ્વાતંત્ર્ય મળ્યા પછી દેશમાં જીવનનાં મૂલ્યો અને માનવતાના વિકાસની જે અપેક્ષા રાખવામાં આવી હતી તે પરિપૂર્ણ ન થઈ. જે રાષ્ટ્રના સંસ્કારના પાયામાં અનેક ઉમદા તત્ત્વો પડ્યાં હતાં તેના વિશાળ જનસમુદાયને ક્લિષ્ટતા વચ્ચે જીવન વિતાવતો જોઈને કોઈ પણ સંવેદનશીલ હૃદયને આંચકો લાગે એવું થયું. જે ભૂમિ ઉપર ગાંધીજીએ જીવનના નૈતિક મૂલ્યો પોતાના જીવનના મૂર્ત દૃષ્ટાંતથી શીખવ્યા હતા, પવિત્ર સાધ્ય માટે સાધનની પવિત્રતા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અને જે રાષ્ટ્રના બાપુ માત્ર રાજકીય રાહબર નહીં; નૈતિક અને આધ્યાત્મિક રાહબર પણ થયા હતા ત્યાં બહુ ટૂંકા ગાળામાં ગાંધીચીંધ્યાં મૂલ્યો વીસરાવાં લાગ્યાં હતાં.

આપણા સામાજિક જીવનમાં મદછકી હીનતા ફાલવા-ફૂલવા લાગી. સત્તા અને દ્રવ્ય કોઈ ઉચ્ચ ધ્યેય માટેનાં સાધન બનવાને બદલે સાધ્ય જેવાં બનવા માંડ્યાં. સત્તા કે સાધનની પ્રાપ્તિ અર્થે ગમે તેવું હીણુ કામ કરતાં ન શરમાવું એ હોંશિયારી ગણાવા લાગી. હીન સાધનથી પ્રાપ્ત થયેલ ધનથી શ્રીમંત બનનારા લોકોને પાછું સમાજે અદકેરું માન આપવા માંડ્યું. સમાજના અગ્રણીઓ તરીકે તેમની ગણના થવા માંડી.

રાજકારણના સાધનને સાધ્ય બનાવી જીવવાની, પરસ્પર ટાંટિયા ખેંચી એકમેકને પાડવાની હલકાઈભરી પ્રવૃત્તિ જ્યારે સ્વાભાવિક જીવનરીતિ