પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૫૫
 

અહિંસાની નવી વ્યાખ્યા જણાવતાં કહે છે કે હિંસાનો નાશ મહાહિંસાથી જ થાય. આ માટે હિંસાનું એવું સ્વરૂપ દાખવવાનું તે સૂચવે છે કે માણસ ફરી એનો વિચાર જ ન કરે. પોતાની આ માન્યતાની સિદ્ધિ માટે તેમણે મગધના વૈજ્ઞાનિકો સાથે મળી બે યંત્રો તૈયાર કરાવ્યાં હતાં. એ યંત્રોમાં એવી શક્તિ હતી કે આખા દુશ્મનદળને એ ચપટીમાં ચોળી શકે. એક હતું શિલાકંટક યંત્ર, જેમાં કાંકરો નાખીને ફેંકો એટલે તીરની જેમ કે પાષાણની જેમ વાગે. બીજું તે રથમૂશલ યંત્ર જેને ચાલુ કરીને મૂકો એટલે એની આગળ વળગાડેલા લોહમૂશલો ચારે તરફ વીંઝાઈને સર્વનાશ કરે. ભવિષ્યમાં પોતાનો જ મત ભારતમાં સર્વમાન્ય રહેશે એવી શ્રદ્ધા વાળા બુદ્ધ - મહાવીરના આ દ્વેષીએ આ યંત્રોને આધારે કેટલાંય રાજ્યોને મગધને નમતા કરી દીધા હતા. આ યંત્રોને નિરખીને થોડી ક્ષણો તો મુનિ વેલાકૂલને પણ થાય છે કે આવાં ભયંકર શસ્ત્રો જેની પાસે હોય એ અજાતશત્રુ જ હોય ને ? કોઈ બુદ્ધિશાળી એવાનો શત્રુ થવાનો વિચાર સેવે ખરો ?

મગધની રાજસભામાં મુનિ વેલાકૂલને લોકાચાર્યનું અને મગધપ્રિયાને રાજગણિકાને બદલે રાજકુમારીનું પદ આપવામાં આવે છે. આ પદની રૂએ મહામંત્રી મુનિ વેલાફૂલને રાજજમાઈ બનાવે છે. રાજજમાઈને લોકપ્રિયતા મેળવવી હોય તો મગધને પ્રિય એવું કોઈ કાર્ય કરવું ઘટે એમ જણાવી વૈશાલીવાસીઓને જેનામાં દૃઢ શ્રદ્ધા હતી એવા, જે સ્તૂપની હયાતી હતી ત્યાં સુધી પોતે સૌ અવિજેય જ હોય એવી દૃઢ માન્યતા ધરાવતા હતા એવા અજેય માનસ્તૂપને જમીનદોસ્ત કરવાનું કામ સોંપે છે. મુનિ વેલાકૂલ પહેલાં તો આ વાતનો ઇન્કાર કરે છે. પણ પછી ફાલ્ગુનીની મોહભરી વાતમાં આવીને આ કામ સ્વીકારે છે અને એ રીતે ફરી પાછા મુનિ વેલાકૂલ, ફાલ્ગની અને પૂનમ વૈશાલીમાં આવે છે.

વૈશાલીનો ગગનચુંબી માનસ્તૂપ એક દર્શનીય સ્થાન ગણાતો. દેશ-દેશના લોકો એને જોવા આવતા. રોજ રોજ કંઈને કંઈ નવું – અપૂર્વ કરવાના શોખીન વૈશાલીવાસીઓના નવીનતાના મોહનો ઉપયોગ મુનિ વેલાકૂલે માનસ્તૂપને જમીનદોસ્ત કરવા માટે કર્યો. એક દિવસ એ માટે ભરી સભામાં એમણે જાહેર કર્યું કે જૂના દેવો અને જૂના માણસોની