પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પરાક્રમગાથાઓ હવે કંટાળો આપે છે. સૌએ 'મર્યા એ મહાન’ એ સૂત્રને છોડી દેવું જોઈએ, કારણ કે વૈશાલી પાસે નવા દેવો અને નવા માનવો ક્યાં ઓછા છે ? આપણે એમની વીરગાથાઓ રચવી જોઈએ. નવીનતા શોખીન વૈશાલીવાસીઓને આ વિચાર જચી ગયો.

અલબત્ત, કેટલાક જુનવાણી માણસોએ આ વાતનો વિરોધ પણ કર્યો પણ તેમની વાત કોણ સાંભળે ? થોડા વખતમાં આ મુદ્દા ઉપર વૈશાલી વિભક્ત થઈ ગઈ. માનસ્તૂપ આખરે ખંડિત થયો. માનસ્તૂપના ખંડિત થવાની સાથે જ સમાચાર આવ્યા કે મગધના રાજા અજાતશત્રુ વૈશાલી ઉપર ચઢી આવે છે. પણ છેલ્લા કેટલાક વખતથી વૈશાલીને યુદ્ધ ગમતું ન હતું. શાંતિની વાતો વિશેષ પસંદ આવતી હતી. એમાં પણ અહિંસા વિશે એમનો વધારે પક્ષપાત થતો જતો હતો. અહિંસામાં વૈશાલીવાસીઓને ઘણી સગવડ જણાતી હતી. એકવાર વસ્તુ પ્રાપ્ત કરી લીધા પછી કોઈ પડાવવા સામે આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી. જુગારના પાસા જેવા યુદ્ધમાં તો હાર કે જીત બંને સંભવે. વળી એમાં મૃત્યુભય પહેલો અને માલીકીસુખ પછી મળતું હતું. જ્યારે અહિંસામાં તો જે જેના હાથમાં તે તેની બાથમાં ! અહિંસાનો આવો નવો અર્થ તારવનાર વૈશાલીવાસીઓ એ ભૂલી ગયા હતા કે અહિંસાનો જન્મ ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે. એમને હવે જે કંઈ સમૃદ્ધિ એમની પાસે હતી તેની રક્ષા નહોતી કરવી, એનો ભોગવટો કરવો હતો. એટલે જ મગધની ચડાઈને અસંસ્કારીની પ્રવૃત્તિ તરીકે ઓળખી એની વગોવણી વૈશાલીવાસીઓએ શરૂ કરી. એમાં મુનિ વેલાકૂલે સાથ આપ્યો.

એવામાં એક ઘોડેસવાર, વૈશાલીને ગેરમાર્ગે દોરે એવા મગધના રાજા અને મહામંત્રી વર્ણકાર વચ્ચેના વિખવાદના અને એ વિખવાદને કારણે મગધમાંથી મહામંત્રીને દેશનિકાલ કર્યાના સમાચાર લઈ આવે છે. મગધની આ ચાલને ન પારખી શકેલા ભોળા વૈશાલીવાસીઓ મગધથી દુભાયેલા મહામંત્રીને પોતાને ત્યાં આશરો આપે છે અને ન્યાયદેવતા બનાવે છે.

વૈશાલીમાં રહીને મહામંત્રી વર્ષકાળ વૈશાલીના આંતર વિખવાદને વધારવાનું કામ શરૂ કરે છે. આ માટે એક બાજુ ગણતંત્રના વખાણ