પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

અને મગધરાજ પાસે પ્રેમીસમાજ કઈ માગણી મૂકવા માગે છે તે જણાવવા કહ્યું. પ્રેમીસમાજની માગણી હતી કે મગધ પોતાનું લશ્કર લઈને પાછું ફરી જાય, નહીં તો યુદ્ધ કર્યાનું કલંક એને માથે આવશે. ઘોડેસ્વારે મગધરાજનો સંદેશ આપતાં જણાવ્યું કે યુદ્ધ એક જ રીતે બંધ થઈ શકે અને તે વૈશાલી પોતાની સત્તા મગધને સોંપી દે તો. પણ વૈશાલી એ માટે કઈ રીતે તૈયાર થાય ?

મુનિ વેલકૂલે શાંતિ સ્થાપવાની માગણી ફરી દોહરાવી ત્યારે મગધે પોતાનો જવાબ યંત્રથી આપ્યો. પ્રેમી સમાજે દગાને પારખ્યો. શસ્ત્ર ન વાપરવાની પ્રતિજ્ઞા શાબ્દિક રીતે પાળીને મગધે દગો રમવાની શરૂઆત કરી. પ્રેમી સમાજ જે ખરી અંતરની અહિંસાથી મુનિ વેલકૂલ સાથે યુદ્ધભૂમિ પર નહોતો આવ્યો એમાં ભંગાણ પડ્યું. સૌ જીવ બચાવવા દોડવા લાગ્યા. એ ક્ષણે મુનિને આત્મજ્ઞાન લાધ્યું. પોતે અને વૈશાલીએ આદરેલી ભૂલો નજર સમક્ષ તરવરવા માંડી. જે વિલાસે વૈશાલીના પાયા બચમચાવી નાખ્યા હતા એ વિલાસ પોતાના દ્વારા આરંભાયાની ભૂલનું પ્રાયશ્ચિત જીવન આપીને કરવાનું એમને સૂઝ્યું. ભાગવા પ્રેમીસમાજને મુનિ કહેતા હતા કે શિર આપીને સાર સંગ્રહી લો. પ્રાણ આપવાની તૈયારી વગર પ્રેમ સ્થાપન નહિ થાય. અહિંસા નિખાલસ અર્પણ માગે છે. જીવનનું અર્પણ કરી સાચી અહિંસાનું ઉદાહરણ પૂરું પાડવા મુનિ વેલાકૂલે આત્મબલિદાન આપ્યું. એમનો આ રીતે થતો વિનાશ ફાલ્ગુનીથી નીરખ્યો ન ગયો. મગધના રાજકારણ પ્રેમી સમાજ સામે યોજેલી કૂટનીતિથી એનું સ્ત્રીહૃદય વિરક્ત બની ગયું. એમાંય મુનિ વેલાકૂલના આત્મબલિદાને તેના આત્મામાં રહેલી ઉદાત્ત ભાવનાને જાગ્રત કરી દીધી. એણે આવા પાપાચારનો વિરોધ કરી મુનિ વેલાકૂલને બચાવવાનું ચાગ્યું પણ એ એનાથી શક્ય ન બન્યું ત્યારે પોતાના જ હાથે પોતાનું નાક કાપી પોતાના સૌંદર્યને ખંડિત કરી સાધ્વીપણું સ્વીકાર્યું.

મગધ અને વૈશાલી વચ્ચે અંતે જોરદાર જંગ થયો. વૈશાલીના યોદ્ધાઓએ મગધના યોદ્ધાઓએ કલ્પી ન હોય એવી શૂરવીરતા બતાવી. જેણે ક્યારે ય શસ્ત્રો નહોતા પકડ્યાં એવાઓએ પણ અનેકોને હણ્યા.