પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

એકતાને નષ્ટ કરવાનું નક્કી કર્યું. આ માટે એણે ભેદનીતિ ઉપયોગમાં લીધી. પોતાના બે મંત્રી વર્ષકાર અને સુનીઢને શત્રુપક્ષમાં ફૂટ પાડવા છૂપા વેશે વૈશાલી મોકલ્યા. આમ મુખ્ય મુખ્ય ઘટનાઓમાં ઇતિહાસનો આધાર લઈ નવલકથાને કલારૂપ આપવા કેટલાક ફેરફારો તેઓ કરે છે. અલબત્ત, એમાં પણ જૈન સાહિત્યપરંપરાએ જયભિખ્ખુને સારી એવી પ્રેરણા પૂરી પાડી છે. મગધપ્રિયા ફાલ્ગુની, મુનિ વેલાકૂલનાં પાત્રો ઇતિહાસસિદ્ધ નથી.

આ નવલમાં જયભિખ્ખુએ વૈશાલી ગણતંત્ર અને મગધના રાજતંત્રની રાજકીય સંઘર્ષકથા રજૂ કરતાં કરતાં અર્વાચીન સંદર્ભને પણ કુશળ રીતે ઉપસાવી આપ્યો છે. ભારતની પ્રજા અત્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે એ વખતે એ પ્રજાને, પૂર્ણ રીતે નહીં તો પણ અમુક અંશે આ નવલકથા માર્ગદર્શક અને દૃષ્ટિ સૂચક નીવડે એવું એનું નિરૂપણ લેખકે કર્યું છે.

ભગવાન બુદ્ધ અને મહાવીરના જ જીવનકાળમાં એમના બંધુત્વ- અહિંસાના આદર્શની તથા સહુનો સરખો આદર કરી સહુના અવાજને માન આપતા ગણતંત્ર વૈશાલીની કસોટીના અને સામ્રાજ્યલક્ષી મગધની કુટિલ રાજનીતિ તથા પ્રચંડ સૈન્યશક્તિ દ્વારા વૈશાલીના થયેલા વિનાશની કથાને લેખકે એવી તો આકર્ષક રીતે નવલકથાનું રૂપ આપ્યું છે કે બે ભાગનાં લગભગ સવા છસો પૃષ્ઠમાં પથરાયેલો કથાપ્રવાહ વાચકને સતત જકડી રાખે છે.

વૈશાલી પડ્યું, છિન્નભિન્ન અને ભસ્મીભૂત થયું એનું કારણ એની અસાવધ આદર્શ ઘેલછા હતી તથા બંધુત્વ-શાંતિની ઓથે અપનાવેલી સુંવાળપ હતી એ વાતને લેખકે સચોટ રીતે અને છતાં પ્રશસ્ય સંયમપૂર્વક રજૂ કરી છે. વૈશાલીના ગણતંત્રને માથે અસ્તિનાસ્તિનો ભય ઝઝૂમી રહ્યો એ સમયે ય શાંતિની પોકળ વાતોમાં અટવાતા વૈશાલીના યોદ્ધાઓની આ બાલિશ વાદવિવાદપરંપરાને નિહાળી એટલે જ ગણનાયક ચેટકથી રંજપૂર્વક કહ્યા સિવાય રહેવાતું નથી, ‘આપણે આપણાપણું ભુલ્યાં છીએ. મોટાઈ, સ્વાર્થ, આળસ ને જીવતરનો મોહ આપણાં મન-ચિત્તને આવરી બેઠો છે.’ (પૃ. ૨૫૯, ભા. ૨). મુનિ વેકાલૂલ પણ યુદ્ધના મેદાનમાં આ જ સત્યનો